મહારાષ્ટ્રમાં પૂરથી 136 લોકોનાં મોતઃ કર્ણાટકમાં રેડ અલર્ટ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર જારી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક લોકો કાળનો કોળિયો બની ગયા છે. મહારાષ્ટ્રના કોસ્ટલ રાયગઢ જિલ્લામાં તલાઇ ગામની નજીક જમીન ધસી પડવાને કારણે અત્યાર સુધીમાં 49 લોકોનાં મોત થયાં છે. ભૂસ્ખલનની આ ઘટનામાં અત્યાર સુધી 47 લોકો લાપતા છે અને 12 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોના જીવ બચાવવા માટે રાહત અને બચાવ કાર્ય જારી છે. વરસાદને કારણે અત્યાર સુધી 136થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. વરસાદથી પ્રભાવિત થાણે, રાયગઢ, રત્નાગિરિ, સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાંથી 8000થી વધુ લોકોને NDRF, નેવી અને આર્મીએ રેસ્ક્યુ કર્યા છે. 2000થી વધુ ગામોના મુખ્ય વિસ્તારોથી સંપર્ક તૂટી ગયો છે.

ગોવાની સરહદે મહારાષ્ટ્રના વિસ્તારોમાં આગામી બે દિવસ વરસાડનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં છ જિલ્લાઓમાં NDRFની 18 ટીમો તહેનાત કરવામાં આવી છે, તેમાં પણ આઠ ટીમો અલર્ટ પર છે. આ સિવાય રાયગઢમાં નેવી અને કોલ્હાપુર, રત્નાગિરિમાં આર્મીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકોને નુકસાન થયું છે, તેમને વળતર આપવામાં આવશે. અમે પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં આવી ઘટનાઓમાં કોઈના જીવ ન જાય.

આ સાથે કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો છે. કેટલાય વિસ્તારોમાં ફૂર આવ્યું છે. ત્રણ લોકોના મોતના અહેવાલ છે. કમસે કમ આઠ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. રાજ્યના સાત જિલ્લા- દક્ષિણ કન્નડ, ઉડુપ્પી, ઉત્તર કન્નડ, શિવમોગા, ચિકમંગલૂર, હાસન અને કોડાગુમાં વરસાનું રેડ અલર્ટ છે.