મુંબઈ – મહાનગર મુંબઈ શહેર તથા ઉપનગરોમાં હવે ગલીએ ગલીએ બહુમાળી રહેણાંક ઈમારતો બંધાવા લાગી છે. જ્યાં જુઓ ત્યાં ગગનચૂંબી ઈમારતો બંધાઈ છે અથવા બંધાઈ રહી છે ત્યારે એ માટે રહેવાસીઓની સુરક્ષાનાં પગલાં ઉપર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.
આવી ગગનચૂંબી ઈમારતોમાં જ્યારે આગ લાગે છે ત્યારે આગને બુઝાવવામાં અગ્નિશામક દળના જવાનોને ભારે મુશ્કેલી પડતી હોય છે.
માત્ર આગ લાગે ત્યારે જ નહીં, પરંતુ પૂર આવે ત્યારે કે લિફ્ટ ખોરવાઈ જાય એવી ઘટનાઓ વખતે પણ ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવે છે. આવી અનેક કામગીરીઓ બજાવતી વખતે અગ્નિશામક દળ ઉપર તાણ આવી પડે છે. આને કારણે મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના ફાયર બ્રિગેડ વિભાગને હાઈટેક કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈના મ્યુનિસિપલ કમિશનર પ્રવીણ પરદેશીએ હાલમાં જ એમનું પ્રથમ સિવિક બજેટ મહાનગરપાલિકા ગૃહમાં રજૂ કર્યું હતું. એમાં તેમણે ફાયર બ્રિગેડ વિભાગના વિકાસ માટે રૂ. 135.16 કરોડના ભંડોળની ફાળવણીની જાહેરાત કરી હતી.
છેલ્લા સાત વર્ષમાં મુંબઈમાં આગ લાગવાની દુર્ઘટનાઓમાં 386 જણે જાન ગુમાવ્યા હતા.
આ સાત વર્ષ દરમિયાન મુંબઈમાં આગની કુલ 13,226 ઘટનાઓ બની હતી. એમાં 1,498 જણ ઘાયલ પણ થયા હતા. 2019ની સાલમાં મુંબઈમાં આગની દુર્ઘટનાઓમાં 28 જણનાં મરણ નિપજ્યા હતા. 2018માં એ સંખ્યા 52 હતી.
આગની ઘટનાઓનો સામનો કરવા માટે ફાયર બ્રિગેડ વિભાગે તેના કાફલામાં એક રોબોટનો પણ સમાવેશ કર્યો છે.
આગ રોકવા માટે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ મદદરૂપ થશે. મુંબઈમાં 24 વિભાગોમાં સ્વતંત્ર અગ્નિ સુરક્ષા પાલન કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
અગ્નિશામક દળના મુખ્યાલયમાં અત્યાર હાલ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ અને કન્ટ્રોલ સિસ્ટમ કાર્યરત છે. તદુપરાંત જીપીએસ સિસ્ટમ આધારિત ઓટોમેટિક અનુસરણ પદ્ધતિ કાર્યરત કરવામાં આવી છે. હવે અગ્નિશામક દળમાં ડિચિટલ મોબાઈલ રેડિયો સિસ્ટમ પણ લાગુ કરવામાં આવનાર છે. તે ઉપરાંત આગ બુઝાવવા માટે દળમાં એક રોબોટ પણ તહેનાત કરવામાં આવનાર છે. તે ઉપરાંત 64 મીટરથી વધારે ઊંચી ટર્ન લેડર, હાઈડ્રોલિક પ્લેટફોર્મ, ડ્રોન અને ક્વિક રીસ્પોન્સ વેહિકલનો પણ સમાવેશ કરવામાં આવશે.