બાંગ્લાદેશી, પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ મુંબઈમાં રાજ ઠાકરેનું શક્તિ પ્રદર્શન

મુંબઈ – બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘૂસણખોરો વિરુદ્ધ આદરેલી જોરદાર ઝુંબેશના ભાગરૂપે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેની આગેવાની હેઠળ આજે મુંબઈમાં વિરાટ મોરચો કાઢવામાં આવ્યો હતો. નાગરિકતા સુધારિત કાયદા (સીએએ) વિરુદ્ધ દેશના મુસ્લિમોએ આદરેલા વિરોધ વિશે રાજ ઠાકરેએ સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે આ લોકોના આંદોલનને સમજવું મુશ્કેલ છે, કારણ કે નવો કાયદો એ લોકો માટેનો નથી.

મેગા રેલીને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું હતું કે મુસ્લિમો સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ (સીએએ)નો શા માટે વિરોધ કરી રહ્યા છે એ જ મને સમજાતું નથી. સીએએ ભારતમાં જન્મેલા મુસ્લિમો માટેનો નથી.

સીએએ ઘડવા બદલ કેન્દ્રની ભાજપ સરકારની પ્રશંસા કરતા રાજે આંદોલનકારી મુસ્લિમોને ઉદ્દેશીને કહ્યું કે તમે તમારી આ તાકાત કોને બતાવી રહ્યા છો? ભારતના ભાગલા પડ્યા બાદ 1949માં જે સીએએ બનાવવામાં આવ્યો હતો એના કરતાં હાલનો સુધારિત કાયદો અલગ છે. બંધારણની કલમ 370 રદ કરવા, રામ મંદિર બાંધવા અને સીએએનો અમલ કરવા જેવા પગલાં ભરવા બદલ હું ભાજપની સરકારની પ્રશંસા કરું છું.

રાજ ઠાકરેની પાર્ટીના મોરચામાં એક લાખથી વધારે કાર્યકર્તાઓ સામેલ થયા હતા.

આ મોરચો ગિરગાંવ ચોપાટીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનની સામે આવેલા આઝાદ મેદાન સુધી કાઢવામાં આવ્યો હતો. મનસે પાર્ટીના કાર્યકર્તાઓ હાથમાં પાર્ટીનો નવો કેસરી રંગનો ઝંડો લઈને, હાથ પર પક્ષના પ્રતિકની પટ્ટીઓ બાંધેલા જોવા મળ્યા હતા. ઘણાએ એ જ રંગના ટી-શર્ટ્સ અને ટોપીઓ પણ પહેર્યાં હતાં.

મોરચો શાંતિપૂર્વકનો અને વ્યવસ્થિત રહ્યો હતો. ઘણા લોકો નારા લગાવતા હતા કે દેશમાં રહેતા ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢવા જોઈએ, કારણ કે એ લોકો દેશના અર્થતંત્ર તથા રોજગારની તકો માટે બોજાસમાન છે. એ લોકોને કારણે જ દેશમાં રાષ્ટ્રીય એકતા જોખમમાં આવી ગઈ છે.