રેલીઓ રદ કરોઃ ઠાકરેની રાજકીય પક્ષોને અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસના કેસો ફરી વધી રહ્યા હોવાને કારણે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તમામ રાજકીય પક્ષો અને સંસ્થાઓને આજે વિનંતી કરી છે કે તેઓ લોકોનાં ટોળા જમાવતા તમામ રાજકીય કાર્યક્રમો અને રેલીઓ તાત્કાલિક સ્થગિત કરી દે.

ઠાકરેએ એમની અપીલમાં કહ્યું છે કે, ‘તમે નિયમોના કડક પાલન અંતર્ગત અન્ય કાર્યક્રમોની ઉજવણી કરી શકો છો, પરંતુ અમે કોરોનાની ત્રીજી લહેર આવે એવું ઈચ્છતા નથી. તેથી જનતાનાં આરોગ્યને પ્રાધાન્ય આપજો. રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે સરકારને સ્પષ્ટ સૂચના છે કે આ કટોકટીનો સામનો કરવા સંપૂર્ણ રીતે તત્પર રહો, પરંતુ હું તમામ રાજકીય પક્ષો – શાસક અને વિપક્ષ, બંનેને અપીલ કરું છું કે હવે પછી વધારે સતર્ક રહેજો. લોકોની ભીડ થાય એવા કાર્યક્રમો યોજવાનું ટાળો. ઉત્સવોની ઉજવણી કરવાનું કોને ન ગમે? પરંતુ આપણું આરોગ્ય, આપણી જિંદગી વધારે મહત્ત્વનાં છે તેથી આપણે આ ઉજવણી પછી કરી શકીશું.’