મુંબઈઃ ગઈ 12મી જુલાઈએ 101 વરસની વયે વિદાય લેનાર પદ્મશ્રી, પ્રાધ્યાપક, ઈતિહાસકાર, લેખક, સમીક્ષક, વિચારક અને જીવનભર કર્મયોગી રહેનાર નગીનદાસ સંઘવી ઉર્ફે નગીનબાપાની સ્મૃતિમાં એક સ્મરણાંજલિ સભાનું આયોજન શુક્રવારે તા. 31 જુલાઈના રોજ સાંજે 6 થી 7 દરમ્યાન કરાયું છે. આ સભામાં જોડાવા ‘સંવિત્તિ એક જાગૃતિ’ (Samvitti Ek Jagruti)ના ફેસબુક પર જોડાવાનું રહેશે.
ફેસબુકના એ જ પેજ પર પછીના દિવસોએ પણ એ જોઈ શકાશે.
લાખો લોકોને પ્રેરણા આપે એવું જીવન જીવનાર અને અંતિમ શ્વાસ સુધી પોતાની લેખન પ્રવૃતિ ચાલુ રાખનાર સત્યનિષ્ઠ -કર્મવીર નગીનદાસ સંઘવીની આ સ્મરણાંજલિ સભામાં તેમની સાથે નિકટતા ધરાવનાર હસ્તીઓ નગીનબાપા વિશે વિચારો-સંસ્મરણોને વાગોળશે. આ હસ્તીઓમાં જન્મભુમિ ગ્રુપના ચીફ એડિટર અને સીઈઓ કુન્દનભાઈ વ્યાસ, ચિત્રલેખાના ભરતભાઈ ઘેલાણી , જાણીતા કટાર લેખિકા વર્ષા પાઠક, લેખક-વક્તા દિપક સોલિયા અને કવિ મુકેશ વૈધનો સમાવેશ થાય છે. કાંદિવલીની જાણીતી સંસ્થા ‘સંવિત્તિ’ અને બોરીવલીની સંસ્થા ‘મહા ગુજરાતી સંઘ’ના સંયુકત ઉપક્રમે આ સભાનું આયોજન થયું છે.
સંવિત્તિના સભ્ય અને સંગીત વિશારદ હાર્દિક ભટ્ટ અને સાથીઓ પ્રાર્થનાગીતો પ્રસ્તુત કરશે. આ પ્રસંગે નગીનબાપાના વકતવ્યની યાદગાર વિડિયો ઝલક પણ દર્શાવાશે.