કોરોના સામે જંગ જીતી ઐશ્વર્યા-આરાધ્યા ઘેર પહોંચી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચન અને એની પુત્રી આરાધ્યાને અહીંની નાણાવટી હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. બંનેનો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

જોકે ઐશ્વર્યાનાં પતિ અભિષેક બચ્ચન અને સસરા અમિતાભ બચ્ચન હજી પણ હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે.

પત્ની અને પુત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાના અહેવાલોને અભિષેકે ટ્વીટ કરીને સમર્થન આપ્યું છે. પોતાના પરિવાર માટે શુભેચ્છા આપનાર અને પ્રાર્થના કરનાર સૌનો આભાર માનતાં અભિષેકે લખ્યું છે કે ઐશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યાં છે. તેઓ હવે ઘેર પહોંચી ગયાં છે. હું અને મારા પિતા હજી પણ મેડિકલ સ્ટાફની કાળજી હેઠળ સારવાર હેઠળ છીએ.

ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ ગઈ 17 જુલાઈએ એમને પણ વિલે પારલે (વેસ્ટ)ની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. અમિતાભ અને અભિષેકને એની પહેલાં જ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.