સુશાંત મોત તપાસ મામલે કંગનાએ મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી

મુંબઈઃ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના રહસ્યમય મોતના કેસની તપાસ મામલે અભિનેત્રી કંગના રણૌતે મુંબઈ પોલીસની ઝાટકણી કાઢી છે. એના ટ્વિટર હેન્ડલ પર લખવામાં આવ્યું છે કે પોલીસ નિર્માતા કરણ જોહરને ક્યારેય આ કેસમાં પૂછપરછ માટે નહીં બોલાવે, કારણકે તે મહારાષ્ટ્રના પ્રધાન અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના મિત્ર છે.

સુશાંત સિંહ ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં પોતાના નિવાસસ્થાનમાં મૃત અવસ્થામાં અને શંકાસ્પદ આત્મહત્યા કરેલી હાલતમાં મળી આવ્યા બાદ અત્યાર સુધીમાં પોલીસે અનેક લોકોની પૂછપરછ કરી છે.

આ લિસ્ટમાં તાજો ઉમેરો થયો છે – નિર્માતા મહેશ ભટ્ટ અને નિર્માતા કરણ જોહરના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સના સીઈઓ અપૂર્વ મહેતાનો.

કંગના રણૌતે શનિવારે એવો દાવો કર્યો હતો કે પોલીસ કરણ જોહરના સીઈઓને પૂછપરછ માટે બોલાવે છે, પણ જોહરને શા માટે નહીં? પોલીસ જોહરને ક્યારેય નહીં બોલાવે, કારણ કે એ આદિત્ય ઠાકરેના બેસ્ટ ફ્રેન્ડ છે.

રિપબ્લિકવર્લ્ડ.કોમને કંગનાએ કહ્યું કે મુખ્ય શક્તિશાળી હસ્તીને હજી સુધી શા માટે પૂછપરછ માટે નથી બોલાવવામાં આવ્યા. સુશાંતને ડિપ્રેશનની ગર્તામાં ધકેલી દેનારાઓને પૂછપરછ માટે ન બોલાવનાર પોલીસની તપાસ માત્ર ઢોંગ અને દંભ છે. કેટલાક લોકો આની બહુ સરળતાથી અવગણના કરી રહ્યા છે. કલાકારને ‘તારો અંત નજીકમાં છે’ એવું કહેવાનું લાઈસન્સ આ લોકોને કોણે આપ્યું? જો એ લોકો (મહેશ ભટ્ટ તરફ ઈશારો) જાણતા હતા કે સુશાંતને સારું નથી તો શા માટે એમણે એના પિતાને ફોન કરીને ન જણાવ્યું, કે તમારા દીકરાને સારું નથી રહેતું. શા માટે રિયા (ચક્રવર્તિ)એ મહેશ ભટ્ટને ફોન કર્યો? એ કોણ વળી?

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું છે કે જરૂર પડશે તો જોહરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

કંગનાએ એવો દાવો કર્યો છે કે બોલીવૂડમાં નિર્માતાઓ દ્વારા જૂથવાદ, સગાંવાદનું દૂષણ પેદા કર્યું છે એને કારણે જ સુશાંતનું મૃત્યુ થયું છે.

પોલીસે પૂછપરછ માટે હાજર થવાનું કંગનાને પણ સમન્સ મોકલ્યું છે. કંગના હાલ એનાં વતન મનાલીમાં છે. એણે પોલીસને એમ કહ્યું હોવાનું મનાય છે કે તમારે પૂછપરછ કરવી હોય તો અહીંયા આવીને કરો.