દેશભરમાં આજે મેડિકલ સ્ટોર્સ બંધ; ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં દવાના વેપારીઓ દ્વારા ‘ભારત બંધ’

મુંબઈ – ડોક્ટરની ચીઠ્ઠી વગર દવાઓના થતા ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ સામેના વિરોધમાં દવાના વેપારીઓ દ્વારા આજે ‘ભારત બંધ’ પાળવામાં આવી રહ્યો છે. આ બંધમાં મુંબઈ તથા ગુજરાતભરના દવાના વેપારીઓ પણ જોડાયા છે.

પરંતુ, મુંબઈની પડોશના થાણે, વિરાર અને નાલાસોપારાના દવાના વેપારીઓના એસોસિએશને આ બંધને ટેકો આપ્યો નથી.

ભારત બંધનું એલાન ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા કરવામાં આવ્યું છે.

ઓનલાઈન ફાર્મસીને કેન્દ્ર સરકારના સમર્થન સામેના વિરોધમાં આજના બંધમાં મુંબઈના વેપારીઓ પણ જોડાશે, પરંતુ હોસ્પિટલો સાથે સંલગ્ન મેડિકલ સ્ટોર્સ ચાલુ રહેશે.

મહારાષ્ટ્રમાં આ બંધને મહારાષ્ટ્ર રજિસ્ટર્ડ ફાર્મસિસ્ટ્સ ડ્રગિસ્ટ્સ એસોસિએશને ટેકો જાહેર કર્યો છે.

મહારાષ્ટ્ર સ્ટેટ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશને પણ બંધને ટેકો જાહેર કર્યો છે. આમ, મુંબઈમાં આજે તમામ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે.

દેશભરમાં દવાના લગભગ 7 કરોડ જેટલા વેપારીઓ છે.