મહારાષ્ટ્ર સરકાર જમ્મુ અને કશ્મીર, લડાખમાં બે રિસોર્ટ બનાવશે

મુંબઈ – મહારાષ્ટ્રના પર્યટન ખાતાના પ્રધાન જયકુમાર રાવલે આજે કહ્યું કે રાજ્ય સરકાર જમ્મુ અને કશ્મીર તથા લડાખમાં એક-એક ટુરિસ્ટ રિસોર્ટ બંધાવશે.

રાવલે જમ્મુ અને કશ્મીરના ગવર્નરને મોકલાવેલા એક પત્રમાં આમ જણાવ્યું છે.

આ પત્ર રાવલે મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ મારફત મોકલ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આ માટે જમીન ફાળવવાની માગણી કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આ જ વર્ષના અંતભાગમાં નિર્ધારિત છે.

જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ને કેન્દ્ર સરકારે રદબાતલ કરી છે. તેથી હવે જમ્મુ અને કશ્મીર રાજ્ય રહ્યું નથી. સરકારે આ રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધું છે. એક છે, જમ્મુ અને કશ્મીર તથા બીજું છે લડાખ.

મહારાષ્ટ્ર સરકાર વતી મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MTDC) જમ્મુ-કશ્મીર અને લડાખમાં ટુરિસ્ટ રિસોર્ટ બાંધશે.

આગામી 15 દિવસમાં જ મહારાષ્ટ્રના રિસોર્ટ બાંધવા માટેની જગ્યાની નિશ્ચિત કરવાનું કામકાજ શરૂ કરવામાં આવશે.

પહેલા તબક્કામાં મહારાષ્ટ્ર સરકાર જમ્મુ-કશ્મીર અને લડાખમાં એક-એક રિસોર્ટ બાંધશે અને બીજા તબક્કામાં એક વધુ રિસોર્ટ પણ બાંધવાની રાજ્ય સરકારની યોજના છે.

ત્રીજું રિસોર્ટ શ્રીનગર એરપોર્ટના પરિસરમાં જ બાંધવામાં આવશે.

જમ્મુ-કશ્મીરમાંનું રિસોર્ટ પહલગામમાં અને લડાખમાંનું રિસોર્ટ લેહમાં બાંધવામાં આવશે.

મહારાષ્ટ્રમાંથી અમરનાથની યાત્રા કરવા જતા તથા વૈષ્ણો દેવીનાં દર્શન કરવા જતા લોકો માટે મહારાષ્ટ્ર સરકારના રિસોર્ટ્સમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]