સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામનો એવોર્ડ…

ગીર સોમનાથઃ દ્વાદશ જયોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને ગુજરાતના પવિત્ર યાત્રાધામ એવા સોમનાથને શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થધામ તરીકેનો એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના જલશક્તિ, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા આ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.

આગામી, તા. ૬ સપ્ટેમ્બર-ર૦૧૯ શુક્રવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાનારા એક સમારોહમાં ગુજરાતને આ એવોર્ડ અર્પણ કરાશે.

ભારત સરકારના જલશકિત, પેયજળ અને સ્વચ્છતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન તહેત સ્વચ્છતા-સફાઇની ઉત્કૃષ્ટતા અને નવા પ્રયોગો માટે જે માનદંડો નક્કી કર્યા છે તેમાં બેસ્ટ સ્વચ્છ આઇકોનીક પ્લેસ તરીકે યાત્રાધામ સોમનાથની પસંદગી કરવામાં આવી છે. રાજ્યના યાત્રા-પ્રવાસન ધામોને 24×7 સ્વચ્છ-સુઘડ સાફસુથરા રાખવાનું અભિયાન તા. ૧ એપ્રિલ-ર૦૧૭થી રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, પાલીતાણા, શામળાજી, ગિરનાર અને પાવાગઢ સહિતના યાત્રાધામોમાં હાથ ધરવામાં આવ્યું છે.

આ અન્વયે BVG ઇન્ડિયા લીમીટેડને દ્વારકા, સોમનાથની સ્વચ્છતા સફાઇની કામગીરી સોંપવામાં આવેલી છે. સોમનાથ યાત્રાધામમાં કુલ ૧.૭૪ લાખ સ્કે. મીટર વિસ્તારમાં દરરોજ સ્વછતા – સફાઇની કામગીરી BVG દ્વારા હાથ ધરવામાં આવે છે.

આ સંસ્થા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની સ્વચ્છતા સફાઇની કામગીરી પણ હાથ ધરાઇ રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]