ફેસબુક પર ચેટ કરતાં પહેલાં ચેતજોઃ જાણો, બરેલીનો આ કિસ્સો….

બરેલીઃફેસબુક પર મિત્રો સાથે ચેટ કરવાનો તમને બહુ શોખ હોય તો આ પણ જાણી લો. ઉત્તર પ્રદેશના બરેલીથી એવા સમાચારો સામે આવ્યા છે કે જેને સાંભળીને સહુ કોઈ અચંબિત છે. પ્રાપ્ત વિગતો અનુસાર એક રીક્ષા ચાલકે ફેસબુક પર આઈપીએસ નુરુલ હસનનો ફોટો લગાવ્યો અને જોતજોતામાં ત્રણ હજાર જેટલી છોકરીઓએ તેને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી દીધી. પછી તો રિક્ષા વાળાઓ આઈપીએસના ફોટોની આડમાં છુપાઈને અનેક છોકરીઓ સાથે ખૂબ ચેટિંગ કર્યું અને તેઓને પોતાની ચૂંગાલમાં પણ ફસાવી લીધી. રિક્ષા ચાલકનું નામ જાવેદ છે. તેની ઉંમર 52 વર્ષની છે.

સમગ્ર મામલો જ્યારે સામે આવ્યો અને તપાસ થયા બાદ આ રિક્ષા ચાલક પકડાયો ત્યારે તેણે પોલીસની સામે આ વાતનો ખુલાસો કર્યો. રિક્ષાવાળાએ જે નુરુલ હસનનો ફોટો પોતાના ફેસબુક પ્રોફાઇલ પિક્ચર તરીકે મૂક્યો હતો તે 2015 ની બેંચના આઈપીએસ અધિકારી છે. તેમના આઈપીએસ બનવાની સ્ટોરી પણ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહી હતી.

પોલીસે સમગ્ર મામલે જ્યારે રિક્ષા ચાલક જાવેદની પૂછપરછ કરી તો, તેણે જણાવ્યું કે મારુ ફેસબુક અકાઉન્ટ છે, જેમાં આશરે 500 જેટલા મિત્રો હતા. મેં જેવો જ પ્રોફાઈલ પર આઈપીએસ નુરુલ હસનનો ફોટો લગાવ્યો તો, ખૂબ ફ્રેન્ડ રિકવેસ્ટ આવી. થોડા જ દિવસમાં મારા અકાઉન્ટમાં 5000 જેટલા ફ્રેન્ડ્સ બની ગયા, જેમાં આશરે 3,000 જેટલી છોકરીઓ હતી. દેશના દરેક ખૂણેથી તેને લગ્ન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા. છોકરીઓને લાગતું હતું કે તેઓ આઈપીએસ નુરુલ હસન સાથે વાત કરી રહી છે.

52 વર્ષીય જાવેદ 12 ધોરણ નાપાસ છે, પરંતુ તેને થોડું અંગ્રેજી આવડતું હતું. છોકરીઓ સાથે તે થોડીઘણી અંગ્રેજીમાં વાત ય કરતો. પોલીસે જ્યારે જાવેદના મોબાઈલ પર ફેસબુક ચેટ જોયું, તો પોલીસના જવાનો પણ અચંબિત થઈ ગયા. છોકરીઓ પણ તેને આઈ લવ યૂ ઈમોજી મોકલતી હતી. પોલીસે સમગ્ર મામલે જાવેદની પૂછપરછ બાદ તેની ધરપકડ કરી લીધી છે, અને તેના વિરુદ્ધ FIR પણ દાખલ કરવામાં આવી છે. જાવેદને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જેલના હવાલે કરવામાં આવશે.

જાવેદના પરિવારમાં તેની પત્ની અને એક જવાન દિકરો પણ છે. પત્ની પણ પોતાના પતીની આ હરકતોથી ખૂબ પરેશાન છે. આ જ હરકતોના કારણે જાવેદની પત્ની તેના અનેક ફોન તોડી ચૂકી છે. પરંતુ જાવેદ આમ છતા પણ ચેટ પર છોકરીઓ સાથે વાતો કરતો રહેતો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]