પ્રધાનોને ખાતાની ફાળવણીની જાહેરાત ગુરુવારે સાંજ સુધીમાં કરાશેઃ નાયબ CM અજીત પવાર

મુંબઈ – મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવારે આજે જણાવ્યું છે કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકારમાં પ્રધાનોને એમના ખાતાની ફાળવણી આવતીકાલે સાંજ સુધીમાં જાહેર કરી દેવામાં આવશે.

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના બનેલા મહાવિકાસ આઘાડી ગઠબંધને સત્તા સંભાળ્યાને એક મહિનાથી ઉપર સમય વીતી ગયો છે તે છતાં પ્રધાનોને ખાતાની ફાળવણી કરવામાં વિલંબ થયો છે. કયા પ્રધાનને કયું ખાતું આપવામાં આવશે તે વિશે જાતજાતના તર્કવિતર્કો થઈ રહ્યા છે.

અજીત પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે કયું ખાતું સંભાળશો ત્યારે એમણે કહ્યું કે એ તો અમારા ગઠબંધનના વડાઓ જ નિર્ણય લેશે.

પવારે એમ પણ કહ્યું કે કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ અને પ્રધાન તરીકે શપથ લેનાર બાળાસાહેબ થોરાત અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચે બેઠક થઈ ચૂકી છે. કયા પ્રધાનને કયું ખાતું આપવું જોઈએ એ નિર્ણય સરકારના ભાગીદાર ત્રણેય પક્ષના પ્રમુખોએ લેવાનો છે એટલે કે સોનિયા ગાંધી (કોંગ્રેસ), શરદ પવાર (એનસીપી) અને ઉદ્ધવ ઠાકરે (શિવસેના).

કહેવાય છે કે શરદ પવારે એમની પાર્ટીના કયા પ્રધાનને કયું ખાતું આપવું એની યાદી મુખ્ય પ્રધાન ઠાકરેને આપી દીધી છે.

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ઉપરાંત અન્ય 6 પ્રધાનોએ 28 નવેંબરે શપથ લીધા હતા અને ત્યારબાદ ગયા અઠવાડિયે ત્રણેય પક્ષોનાં મળીને બીજા 36 પ્રધાનોએ શપથ લીધા હતા. એમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો પણ સમાવેશ થાય છે.