ટ્વીટર પર શાયરીથી ફેસબુકની પોસ્ટ સુધીઃ સંજય રાઉતનું સસ્પેન્સ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે મંત્રીમંડળના વિસ્તારમાં ભાઈ સુનીલ રાઉતને સ્થાન ન મળવાથી નારાજગીના સમાચારો વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતના નવા વર્ષ પર ફેસબુક પોસ્ટથી સસ્પેન્સ વધી ગયું છે. રાઉતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હંમેશા એવા વ્યક્તિને સંભાળીને રાખો, જેણે આપને ત્રણ ભેટ આપી હોય- સાથ, સમય અને સમર્પણ… રાઉતની આ પોસ્ટને શિવસેના અધ્યક્ષ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફ ઈશારાના રુપમાં જોવામાં આવી રહ્યું છે.

જો કે હાલ સંજય રાઉતની એફબી વોલ પર આ પોસ્ટ નથી દેખાઈ રહી.

આવામાં માનવામાં આવી રહ્યું છે કે આ મામલે ચર્ચાએ વેગ પકડતા સંજય રાઉતે પોસ્ટ ડિલીટ કરી દીધી છે. ઉદ્ધવને મુખ્યમંત્રી બનાવવામાં ભલે એનસીપી અધ્યક્ષ શરદ પવારની ભૂમિકા મહત્વપૂર્ણ હતી, પરંતુ સંજય રાઉત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યો તે દિવસથી લઈને ઉદ્ધવ જ્યાં સુધી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી લોકોની સામે ઉદ્ધવનો પક્ષ મૂક્યો હતો.

ભાજપ સાથે અઢી વર્ષ મુખ્યમંત્રી પદની માંગ અને એનસીપી-કોંગ્રેસથી સરકારની નિમણૂંક માટે વાતચીતમાં રાઉત આગળ રહ્યા છે. ઉદ્ધવ સાથે નિકટતા અને સરકારના ગઠનમાં મહત્વપૂર્ણ ભૂમિકાને જોતા માનવામાં આવી રહ્યું હતું કે સંજયના નાના ભાઈ સુનીલને મંત્રીમંડળમાં જરુર જગ્યા મળશે પરંતુ આવું ન થયું.

શિવસેનાએ ત્રણ અપક્ષોને તક આપી, ત્યારબાદ સંજય નારાજ થયાના સમાચાર સામે આવી હતી. સુનીલ રાઉતના ધારાસભ્ય પદ પરથી રાજીનામાના સમચાર પણ ચર્ચામાં રહ્યા પરંતુ રાઉત સામે આવ્યા અને કહ્યું કે, અમે લોકો આપનારા છીએ માંગનારા નથી. પાર્ટી માટે કામ કરીએ છીએ, પદ માટે નહી. સુનીલ રાઉત પાક્કા શિવસૈનિક છે. મહારાષ્ટ્રમાં શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર બની તેનું અમને ગર્વ છે.

ત્યારબાદ માનવામાં આવી રહ્યું હતું કે રાઉતે નારાજગી દૂર કરી લીધી છે પરંતુ હવે તેમની નવી ફેસબુક પોસ્ટે સસ્પેન્સ વધાર્યું છે. રાજનૈતિક બેડામાં ચર્ચા છે કે શું સંજય રાઉત હજી પણ ભાઈને મંત્રી ન બનાવવામાં આવ્યા તેનાથી નારાજ છે? જો કે હવે સંજય રાઉતની એફબી વોલ પર આ પોસ્ટ નથી દેખાઈ રહી. સંજય રાઉતે પોસ્ટ ડિલીટ કરી તેના પર પણ સવાલો ઉઠ્યા છે.