મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ એમની સરકારની સ્થાપનાના 41 દિવસ બાદ, આજે એમના પ્રધાનમંડળનું વિસ્તરણ કર્યું છે. શિવસેનામાંથી છૂટા થયેલા શિંદેના જૂથ તથા સરકારના ભાગીદાર ભાજપના 9-9 એમ કુલ 18 પ્રધાનોને રાજ્યના ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ અહીં રાજભવન ખાતે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
શપથ લેનાર ભાજપના નેતાઓ છેઃ ચંદ્રકાંત પાટીલ, રાધાકૃષ્ણ વિખે-પાટીલ, સુધીર મુનગંટીવાર, વિજયકુમાર ગાવિત, ગિરીશ મહાજન, રવિન્દ્ર ચવાણ, અતુલ સાવે, મંગલપ્રભાત લોઢા અને સુરેશ ખાડે.
શિંદે જૂથના નેતાઓ છેઃ ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંજય રાઠોડ, સંદીપન ભૂમરે, ઉદય સામંત, અબ્દુલ સતાર, દીપક કેસરકર, તાનાજી સાવંત અને શંભુુરાજ દેસાઈ.
ઉલ્લેખનીય છે કે, બંને પક્ષમાંથી તેમજ આ સરકારના ટેકો આપનાર અપક્ષ ઉમેદવારોમાંથી એકેય મહિલાને આજે પ્રધાનમંડળમાં સ્થાન અપાયું નથી. એવી જ રીતે, મહારાષ્ટ્ર વિધાનપરિષદના પણ કોઈ સદસ્યને પ્રધાનમંડળમાં સ્થાન અપાયું નથી.
સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરશેઃ CM શિંદે
શપથવિધિ સમારોહ બાદ મુખ્ય પ્રધાન શિંદેએ પત્રકાર પરિષદમાં કહ્યું કે એમની સરકાર જનતાનાં કલ્યાણ અને રાજ્યના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નવા પ્રધાનો ટૂંક સમયમાં જ એમની કામગીરી શરૂ કરશે.