મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલિયાની બહારથી ગયા મહિને મળી આવેલી વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્ર સાથેની સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરણના નિપજેલા ભેદી મૃત્યુને એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ હત્યાનો મામલો ગણાવ્યો છે. એટીએસે આ કેસમાં અજાણ્યા શખ્સો સામે હત્યા, ક્રિમિનલ ષડયંત્ર, પુરાવાનો નાશ કરવાના પ્રયાસ – એમ ગુનાઓ નોંધ્યા છે. પડોશના થાણે શહેરના નિવાસી મૃતક કાર એક્સેસરીઝના વેપારીની પત્ની વિમલે કરેલી ફરિયાદને પગલે એટીએસે ભારતીય ફોજદારી કાયદાની કલમો – 302, 201, 32, 120-બી અંતર્ગત FIR નોંધી હત્યાનો મામલો નોંધ્યો છે.
એટીએસ દ્વારા આ કેસમાં તપાસ માટે અધિકારીઓની 12-ટૂકડીઓની રચના કરવામાં આવી છે. સ્કોર્પિયો કાર અંબાણીના બંગલાની બહારથી ગઈ 25 ફેબ્રુઆરીએ લાવારીસ હાલતમાં મળી આવી તેના આઠ દિવસ પહેલાં એ ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ હતી. મનસુખ હિરણ ગઈ 4 માર્ચે એક પોલીસ અધિકારીનો ફોન આવ્યો છે એમ કહીને ઘેરથી નીકળ્યા હતા, પણ રાત સુધી પાછા ફર્યા નહોતા. એમનો મૃતદેહ બાદમાં પાંચ માર્ચે થાણે જિલ્લાના રેતીબંદર સ્થિત ખાડીમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ અહેવાલ અનુસાર મૃતદેહ પર અમુક જખમ જોવા મળ્યા હતા. મૃતદેહ દસેક કલાક સુધી પાણીમાં પડ્યો રહ્યો હોવાનું કહેવાય છે. શરીર પર જખમ દેખાતાં મૃતકના પત્નીએ હત્યાની શંકા વ્યક્ત કરી હતી.