મહારાષ્ટ્રમાં RTI અંતર્ગત નાગરિકોને સરકારી દસ્તાવેજોનું નિરીક્ષણ કરવાની પરવાનગી અપાઈ

મુંબઈ – મહારાષ્ટ્રમાં સરકારે તમામ નાગરિકોને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) કાયદા અંતર્ગત રાજ્યના જિલ્લા સ્તરની કચેરીઓ તથા સ્થાનિક કચેરીઓમાંના સરકારી રેકોર્ડ્સ, દસ્તાવેજોનું દર સોમવારે બે કલાક માટે નિરીક્ષણ કરવાની પરવાનગી આપી છે.

જોકે આમાં મંત્રાલયનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્રમાં સરકારે તમામ નાગરિકોને રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) અંતર્ગત રાજ્યના જિલ્લા સ્તરની કચેરીઓ તથા સ્થાનિક કચેરીઓમાંના સરકારી રેકોર્ડ્સનું દર સોમવારે બે કલાક માટે નિરીક્ષણ કરવાની પરવાનગી આપી. આમાં મંત્રાલયનો સમાવેશ નથી.

એક સિનિયર અધિકારીએ કહ્યું છે કે નાગરિકોએ RTI અરજી નોંધાવવાની જરૂર નહીં રહે અને કોઈ ફી ચૂકવવાની પણ નહીં રહે. તેઓ સીધા સરકારી કચેરીઓમાં જઈ શકે છે અને રેકોર્ડ્સ/દસ્તાવેજોનું નિરીક્ષણ કરી શકે છે.

રાજ્ય સરકારે આ સંદર્ભનો એક ઠરાવ ગઈ 26 નવેમ્બરે પાસ કર્યો હતો.

આ ઠરાવમાં જોકે સરકારના સચિવાલય (મંત્રાલય)નો સમાવેશ કરાયો નથી, કારણ કે એમાં વહીવટીતંત્ર સંબંધિત અમુક અવરોધો રહેલા છે. મંત્રાલયમાં ઘણા વિભાગોમાં પૂરતી જગ્યા ન હોવાને કારણે નાગરિકોને RTI દસ્તાવેજોનું નિરીક્ષણ કરવા દેવાનું શક્ય નથી. આ અંગે બાદમાં નક્કી કરવામાં આવશે.

જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)નું કહેવું છે કે સરકારની કામગીરીમાં પારદર્શકતા લાવવા માટે અને RTI અરજીઓ તથા અપીલોનો ઢગલો ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન અને પરિષદો, જિલ્લા પરિષદો તથા અન્ય સહિતની તમામ જિલ્લા સ્તરીય કચેરીઓ તથા સ્થાનિક સંસ્થાઓની કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે દર સોમવારે બપોરે 3થી પાંચ સુધી, એમ બે કલાક માટે નાગરિકોને સરકારી દસ્તાવેજો, રેકોર્ડ્સનું નિરીક્ષણ કરવા દેવું. જો કોઈ સોમવારે જાહેર રજા આવતી હોય તો એ પછીના કાર્યકારી દિવસે એવી પરવાનગી આપવી.

RTI કાર્યકર્તાઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. ભૂતપૂર્વ સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશનર શૈલેષ ગાંધીએ કહ્યું છે કે નાગરિકો આ સુવિધાનો કેટલો વ્યાપક રીતે ઉપયોગ કરે છે એની પર આ નિર્ણયની સફળતાનો આધાર રહેશે. આશા રાખીએ કે આ સુવિધા માત્ર કાગળ પર જ નહીં રહે.