અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યાદેવી હોલકર નગર’ કરવામાં આવશે: CM શિંદેની જાહેરાત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ શહેરો બાદ હવે અહમદનગર શહેરનું પણ નામાંતર કરવામાં આવ્યું છે. અહમદનગરનું નામ બદલીને ‘અહિલ્યાદેવી હોલકર નગર’ કરવામાં આવશે. આ જાહેરાત રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે કરી છે.

શિંદેએ અહમદનગર જિલ્લામાં અહિલ્યાબાઈ હોલકરનાં જન્મસ્થાન ચૌંડી ગામમાં એમની જન્મતિથિના ઉજવણી કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં આ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં અગાઉ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પોતાના સંબોધનમાં અહમદનગરનું નામાંતર કરવાની માગણી કરી હતી અને શિંદેએ તેનો તરત જ સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઔરંગાબાદનું નામ બદલીને ‘છત્રપતિ સંભાજીનગર’ અને ઉસ્માનાબાદનું નામ બદલીને ‘ધારાશીવ’ કરવામાં આવ્યું છે.

અહિલ્યાબાઈ હોળકર આધુનિક ભારત પૂર્વેના સમયમાં મરાઠા સામ્રાજ્યનાં પ્રસિદ્ધ મહારાણી હતાં. તેઓ વીરાંગના, કુશળ રાજનીતિજ્ઞ, સમાજસુધારક, પ્રભાવશાળી પ્રશાસક, પ્રજા માટે ન્યાયપ્રિય-મમતામયી માં, હજારો હિન્દૂ મંદિરોનાં ઉદ્ધારક, ધર્મપરાયણ અને નારીશક્તિનાં પ્રતિક તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધ થયાં છે. અહિલ્યાબાઈ 29 વર્ષનાં હતાં ત્યારે જ એમનાં પતિ ખંડેરાવ હોળકરનું મૃત્યુ થયું હતું. તે પછી એમણે હોળકર વંશનું શાસન પોતાને હસ્તક લીધું હતું અને મધ્ય પ્રદેશમાંના માહેશ્વરને પોતાના શાસનની રાજધાની બનાવીને શાસન કર્યું હતું. એમણે પોતાનાં રાજ્યની સીમાઓની બહાર ભારતભરમાં તીર્થસ્થળો ખાતે સેંકડો મંદિરો બંધાવ્યા હતા તેમજ, નદીઓ પર ઘાટ બંધાવ્યા હતા અને કૂવાઓ, બાવડીઓ, રસ્તાઓનું નિર્માણ કરાવ્યું હતું, જે મોગલ રાજા ઔરંગઝેબના કાળમાં નષ્ટ કરવામાં આવ્યા હતા.