‘પતંજલિ દુગ્ધામૃત પશુઆહાર’ હવે દૂરદૂરના ગામોમાં પણ ઉપલબ્ધ કરાશે

નવી દિલ્હીઃ પતંજલિ ગ્રામોદ્યોગ (ન્યાસ) અને ભારત સરકાર હસ્તકના કોમન સર્વિસીસ સેન્ટર (સીએસસી એસપીવી) વચ્ચે આજે અહીં એક સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમજૂતી અનુસાર, દેશના ખૂણે ખૂણે પાંચ લાખથી પણ વધારે કેન્દ્રો મારફત પતંજલિના સંતુલિત પશુ આહાર ઉત્પાદનો, ફીડ સપ્લીમેન્ટ્સ અને આયુર્વેદિક પશુ ઔષધિઓને ન્યૂનતમ કિંમત પર દેશના પ્રત્યેક કિસાનો સુધી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

હસ્તાક્ષર કાર્યક્રમ વખતે સીએસસી એસપીવીના મેનેજિંગ ડાયરેક્ટર સંજય રાકેશ અને પતંજલિ ગ્રામોદ્યોગ, હરિદ્વારના મહામંત્રી ડો. યશદેવ શાસ્ત્રી ઉપસ્થિત હતા.

પશુપાલન ભારતની કરોડરજ્જુ સમાન રહ્યું છે. ભારતમાં ખેતીવાડીની સાથે પશુપાલન સહાયક વ્યવસાયના રૂપમાં પ્રાચીન સમયથી ગ્રામીણ લોકો અને ખેડૂતોની આજીવિકાનો એક જરૂરી હિસ્સો છે. સંતુલિત પશુ આહાર દ્વારા પશુને આવશ્યક પોષક તત્ત્વો – પ્રોટીન, વસા, કાર્બોહાઈડ્રેટ, ખનિજ તત્ત્વો, વિટામિન ઉચિત રીતે ઉપલબ્ધ થવા જોઈએ જેથી પશુઓનું સ્વાસ્થ્ય, દૂધ ઉત્પાદન, પ્રજનન વગેરે જળવાઈ રહે.

સંતુલિત પશુ આહારના અભાવને કારણે પશુઓનું સ્વાસ્થ્ય નબળું રહે છે અને દૂધનું ઉત્પાદન ઓછું રહે છે. પતંજલિ દુગ્ધામૃત પશુઆહાર આ બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.

સીએસસી અને પતંજલિ ગ્રામોદ્યોગ વચ્ચે આ કરારથી ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનો માર્ગ મોકળો થશે. દેશનાં યુવાઓ માટે એક વધુ રોજગાર સુનિશ્ચિત થશે. પશુઓને યૂરિયા રહિત આહાર મળશે અને મનુષ્યોને શુદ્ધ દૂધ પ્રાપ્ત થશે.