મુંબઈઃ અહીંના પરેલ ઉપનગરમાં આવેલા આર્યભટ્ટ ઉદ્યાનમાં બેઠેલાં 17 વર્ષના એક છોકરા અને એની 15-વર્ષીય ગર્લફ્રેન્ડને ધમકી આપવા અને એમની પાસેથી પૈસા પડાવવાનો પ્રયત્ન કરવા બદલ એક લોયર અને એની બે મહિલા સાગરિતની પોલીસે ધરપકડ કરી છે. લોયરનું નામ છે આકાશ આઢવ. એક મહિલા આઢવની પત્ની સાક્ષી છે અને બીજી છે શિવાની વાઈરકર. પોલીસે આ ત્રણેય જણ સામે ખંડણી, ક્રિમિનલ ધમકી અને ઈરાદાપૂર્વક અપમાન કરવાના ગુના નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
બનાવની વિગત એવી છે કે, છોકરો રાબેતા મુજબ સાંજે 6 વાગ્યે કોલેજથી ઘેર પહોંચી જતો. પરંતુ ગયા સોમવારે 6.40 થવા છતાં ન આવતાં એના ભાઈએ તેને ફોન કર્યો હતો, પણ કોઈ જવાબ મળતો નહોતો. બાદમાં છોકરાના ફોન પરથી આકાશ આઢવે ફોન કર્યો હતો અને ધમકી આપી હતી કે તારો ભાઈ એક છોકરી સાથે ફરે છે એટલે પોલીસને કહી દઈશ. છોકરાનો ભાઈ તરત જ આર્યભટ્ટ ઉદ્યાનમાં પહોંચ્યો હતો. ત્યાં ત્રણેય લોયરે છોકરા અને છોકરી, બંને પાસેથી રૂ. 15,000ની માગણી કરી હતી. આખરે એમણે રકમ ઘટાડીને રૂ.8,000 કરી હતી. આઢવની ધમકીથી ડરી જઈને છોકરાએ દોઢ હજાર ચૂકવ્યા હતા અને બીજા દિવસે રૂ. 8,000 ચૂકવી દેશે એમ કહ્યું હતું. યોગાનુયોગ, એ જ વખતે ત્યાં એક પોલીસ વાન આવી પહોંચી હતી અને છોકરાઓએ એમને ઊભા રાખીને જાણ કરી હતી. પોલીસોએ તરત જ આઢવ અને એની બંને મહિલા સાગરિતને કસ્ટડીમાં લીધા હતા.