મુંબઈઃ શહેરમાં પહેલી નવેમ્બરે નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલ (NMAJS)નું ઉદઘાટન થયું હતું. આ નવી સ્કૂલ બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (DAIS) કેમ્પસની બાજુમાં આવેલી છે. આ નવી સ્કૂલ વિદ્યાર્થીઓને શીખવાની મોકળાશ આપવા સાથે નાના-મોટા જૂથો બનાવી સાથે મળીને કામ કરવા અને તેમને પર વ્યક્તિગત રીતે સૂચનાઓ આપવા પર ભાર મૂકવાની રીતે તૈયાર કરવામાં આવી છે.
નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલના ઉદઘાટન પ્રસંગે સ્થાપક અને અધ્યક્ષ નીતા મુકેશ અંબાણી અને મુકેશ અંબાણી પૂજા કરી રહ્યા છે.
નીતા અંબાણીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ વર્ષ 2003માં સ્થપાયેલી DAISની શ્રેષ્ઠતાની સફરને આગળ વધારવા માટે NMAJS તૈયાર છે. શિક્ષણશાસ્ત્રી એવાં સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી માત્ર 20 વર્ષમાં DAISને વિશ્વની શ્રેષ્ઠ શાળાઓની શ્રેણીમાં લઈ ગયાં છે. આજે DAIS ભારતની પ્રથમ નંબરની આંતરરાષ્ટ્રીય શાળા છે અને વિશ્વની ટોચની 20 ઇન્ટરનેશનલ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં સ્થાન પામે છે.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા અંબાણીએ જણાવ્યું હતું કે અમે હંમેશાં ઇચ્છતાં હતાં કે DAIS એક એવી શાળા બને જ્યાં અધ્યાપનમાં ખુશી અને અધ્યયનમાં આનંદ મળે. માત્ર બે દાયકામાં હજારો બાળકો અને તેમના પરિવારોના જીવનમાં પરિવર્તન લાવી શક્યાં છીએ. મને આ નવું શિક્ષણ મંદિર – NMAJS – મુંબઈ અને રાષ્ટ્રને સમર્પિત કરવાનું ગૌરવ છે.
નીતા મુકેશ અંબાણી જુનિયર સ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષકો અને બાળકો સાથે સ્થાપક અને અધ્યક્ષ શ્રીમતી નીતા મુકેશ અંબાણી.
વાઇસ ચેરપર્સન ઇશા અંબાણીએ જણાવ્યું હતું કે મારાં માતા અને મારા આદર્શે મન, હૃદય અને આત્માથી ભારતીયતા સાથે DAISની આંતરરાષ્ટ્રીય શાળા તરીકે કલ્પના કરી હતી, અને તેણે આજે ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અકલ્પનીય રીતે પરિવર્તન કર્યું છે. અમે NMAJSનું નિર્માણ DAISના પાયાના સિદ્ધાંતો અને અનોખી તાકાત સાથે બાળકોને 21મી સદીના કૌશલ્યથી સુસજ્જ બનાવવાના ધ્યેયને હાંસલ કરવા સાથે કર્યું છે.
નવી NMAJSની વાસ્તુપૂજા નીતા અંબાણીના જન્મદિવસના શુભ પ્રસંગે કરવામાં આવી હતી. NMAJS કેમ્પસની ડિઝાઇન વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ્સ પર્કિન્સ એન્ડ વિલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેનું નિર્માણ અનેક અત્યાધુનિક કેમ્પસ બનાવવાનો ટ્રેક રેકોર્ડ ધરાવતી સંસ્થા લેઈટન દ્વારા કરવામાં આવ્યું છે. NMAJS એક સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય શાળા હશે. જે આઇબી પ્રાઇમરી યર્સ પ્રોગ્રામ (પી.વાય.પી.) અને મિડલ યર પ્રોગ્રામ (એમ.વાય.પી.) અભ્યાસક્રમ ઓફર કરે છે.