એસ.ટી. કર્મચારીઓની દિવાળી આનંદમાં જશે: તહેવાર પૂર્વે વેતન મળી જશે

મુંબઈઃ આ વખતે મહારાષ્ટ્રના એસ.ટી. બસ નિગમના કર્મચારીઓની દિવાળી મીઠીમધુર જશે. રાજ્ય સરકારે એસ.ટી. કર્મચારીઓને વેતન ચૂકવવા માટે સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન માટે રૂ. 387 કરોડ છૂટા કર્યા છે. આને લીધે દિવાળીના દિવસો શરૂ થાય એ પૂર્વે જ કર્મચારીઓને એમનું વેતન મળવાનો માર્ગ મોકળો થયો છે. છેલ્લા અમુક વર્ષોથી દિવાળીમાં જ કામબંધ આંદોલન કરવાનું એસ.ટી. કર્મચારીઓ માટે સામાન્ય બની ગયું હતું. પરંતુ આ વખતે દિવાળી પૂર્વે કોઈ પ્રકારનું આંદોલન ન કરતાં કર્મચારીઓને સરકાર તરફથી ખુશખબર આપવામાં આવી છે.

રાજ્ય સરકારે એસ.ટી. કર્મચારીઓને વેતન ચૂકવવા માટે રૂ. 387 કરોડની મદદ આપી છે. આને લીધે કર્મચારીઓને આવતા ત્રણ-ચાર દિવસમાં જ વેતન મળી જશે. કોરોનાવાઈરસ મહામારી વખતે એસ.ટી. નિગમની તિજોરીને માર પડ્યો હતો, પરંતુ હવે નિગમે ફરી ગતિ પ્રાપ્ત કરી લીધી છે. રાજ્ય સરકારે વરિષ્ઠ નાગરિકોને રાજ્યની એસ.ટી. બસમાં મફત પ્રવાસ અને મહિલાઓ માટે અડધી રકમની ટિકિટની યોજનાઓ અમલમાં મૂકી છે.