મરાઠા સમાજને અનામતનો લાભ આપવાનો ઠરાવ સર્વ-પક્ષીય બેઠકમાં પાસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મરાઠા અનામત મુદ્દે ચર્ચા કરવા માટે આજે સર્વ-પક્ષીય બેઠક બોલાવી હતી. એમાં તમામ પક્ષો મરાઠા સમાજને અનામત (ક્વોટા)નો લાભ આપવા માટે સહમત થયા હતા. આ વિશેનો એક પત્ર મુખ્ય પ્રધાન કાર્યાલયે (CMO મહારાષ્ટ્ર)એ તેના X ટ્વિટર પ્લેટફોર્મ પર અપલોડ કર્યો છે.

આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે મરાઠા સમુદાયે કરેલી માગણી પ્રમાણે અનામતનો લાભ આપવા માટે તમામ કાનૂની પગલાં લેવામાં આવશે. જોકે આ વિશેની પ્રક્રિયા હાથ ધરવા માટે સમય લાગશે. તેથી અનામતની માગણી કરેલા તમામ લોકોને આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે માગણીઓ પરિપૂર્ણ કરવા માટે સરકારને સમય આપવાની જરૂર છે. પત્રની આખરમાં, તમામ રાજકીય પક્ષોએ મરાઠા અનામત આંદોલન કરનાર મનોજ જરાંગે-પાટીલને અપીલ કરી છે કે તેઓ એમની ભૂખહડતાળનો અંત લાવે અને સરકારને સહકાર આપે.

પત્રમાં એકનાથ શિંદે, એનસીપી પાર્ટીના વડા શરદ પવાર, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (ભાજપા), વિજય વડેટ્ટીવાર, અંબાદાસ દાનવે, અનિલ પરબ, જયંત પાટીલ, કોંગ્રેસ નેતાઓ નાના પટોલે અને બાલાસાહેબ થોરાત તથા અન્યોએ સહી કરી છે.