મુંબઈની કોર્ટમાં આંચકાજનક ઘટનાઃ ન્યાયાધીશની નજર સામે જ બે આરોપી પર ચાકૂ વડે હુમલો

મુંબઈ – અહીં ભોઈવાડા સ્થિત કોર્ટમાં આજે બનેલી એક ચોંકાવનારી ઘટનામાં મેજિસ્ટ્રેટની નજર સામે જ એક આરોપીએ અન્ય બે આરોપી પર ચાકૂ વડે હુમલો કર્યો હતો.

હુમલામાં બે આરોપી ઘાયલ થયા છે. એમને કેઈએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે હુમલાખોર આરોપીને અટકમાં લીધો છે.

ઘટનાની બાબત એવી છે કે, ભોઈવાડા કોર્ટ નંબર-5માં બળાત્કારના એક કેસમાં હરિશ્ચંદ્ર શિરકર તથા અન્ય બે આરોપી – મહેશ અને નરેશને પોલીસો કોર્ટમાં લાવ્યા હતા. એ ત્રણેયને સુનાવણી માટે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.જે. બિયાની સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા.

સુનાવણી પૂરી થયા બાદ કોર્ટે ત્રણેયને જામીન પર છોડવાની સંમત્તિ દર્શાવી હતી. મહેશ અને નરેશને જામીન મંજૂર કરવામાં આવતાં શિરકર ગુસ્સે થયો હતો અને એણે અચાનક ખિસ્સામાંથી ચાકૂ કાઢીને બે સહ-આરોપી પર હુમલો કર્યો હતો. એ જોઈને ત્યાં હાજર દરેક જણ ચકિત થઈ ગયા હતા.

બંને ઘાયલ આરોપીને તરત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં બંનેની હાલત સ્થિર છે, એવું પોલીસે જણાવ્યું છે.

દરમિયાન, સૌને સવાલ એ મૂંઝવી રહ્યો છે કે હુમલાખોર આરોપી ચાકૂ લઈને કોર્ટમાં કેવી રીતે દાખલ થઈ શક્યો?