કિરીટ સોમૈયાને કરાડ રેલવે-સ્ટેશને પોલીસે અટકમાં લીધા

સતારા (મહારાષ્ટ્ર): મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વિધાનસભ્ય હશન મુશરીફનું ભ્રષ્ટાચાર કૌભાંડ ઉઘાડું પાડવા એમના વતન કોલ્હાપુર જઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના મુંબઈના મુલુંડસ્થિત નેતા કિરીટ સોમૈયાને ગઈ કાલે સતારા જિલ્લાના કરાડ રેલવે સ્ટેશન ખાતે પોલીસે અટકમાં લીધા હતા. સોમૈયા મહાલક્ષ્મી એક્સપ્રેસ ટ્રેન દ્વારા મુંબઈથી પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લા કોલ્હાપુર જતા હતા અને સોમવારે ત્યાં સભા યોજવાના હતા. કોલ્હાપુરના જિલ્લા કલેક્ટરે ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની કલમ 144 હેઠળ સોમૈયા સામે પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડ્યા છે, જે અનુસાર 20-21 સપ્ટેમ્બરે સભાઓ યોજવાનો તેમની પર પ્રતિબંધ મૂકાયો છે. પોલીસે એમ કહીને ગઈ કાલે સોમૈયાની ધરપકડ કરી હતી કે એમની જાન પર ખતરો છે અને એમના પ્રવાસથી કોલ્હાપુરમાં કાયદો-વ્યવસ્થા બગડી શકે છે.

સોમૈયા ગઈ કાલે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી મહાલક્ષ્મી એક્સપ્રેસ દ્વારા કોલ્હાપુર જવા રવાના ત્યારે પણ સ્ટેશન પર ધાંધલ મચી હતી. સ્ટેશન પર પોલીસોની મોટી ફોજ ઉપસ્થિત હતી. પોલીસોએ એમને ટ્રેનમાં જતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સોમૈયાએ કહ્યું કે, ‘મને અડશો નહીં, મારી સામે કાર્યવાહી કરવી ગેરકાયદેસર છે. હું કોલ્હાપુર જઈશ જ.’ બાદમાં સોમૈયાએ કહ્યું હતું કે, ‘મને રોકવાનું ઉદ્ધવ ઠાકરે (મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન) અને શરદ પવાર (એનસીપી પ્રમુખ)એ કાવતરું ઘડ્યું છે. મેં હસન મુશરીફનું એક ભ્રષ્ટાચાર કૌભાંડ બહાર પાડ્યું છે.’ સોમૈયાનો દાવો છે કે કોલ્હાપુરના કાગલ મતવિસ્તારના એનસીપીના વિધાનસભ્ય અને મહારાષ્ટ્રના ગ્રામીણ વિકાસ પ્રધાન મુશરીફે એમના સગાંઓના નામે બેનામી સંપત્તિ એકઠી કરી છે. મુશરીફે આ આક્ષેપને નકાર્યો છે.