મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખને ફરી ખુલ્લો પડકાર ફેંક્યો છે. એણે ટ્વીટ કરીને કહ્યું છે કે પોતે ડ્રગ ટેસ્ટ કરાવવા અને ફોન કોલ્સ રેકોર્ડની તપાસ કરાવવા તૈયાર છે.
કંગનાએ એમ પણ કહ્યું છે કે જો તપાસમાં પોતે દોષી ઠરે તો કાયમને માટે મુંબઈ શહેરને છોડી દેશે.
કંગના અગાઉ કરેલી જાહેરાત મુજબ 9 સપ્ટેમ્બરના બુધવારે મુંબઈ પાછી ફરવાની છે. એ માટે તે હિમાચલ પ્રદેશમાં એનાં વતન મનાલીથી આજે રવાના થઈ ચૂકી છે. ત્યાં પોતાનાં નિવાસસ્થાને આવેલા પત્રકારો સાથેની વાતચીતમાં એણે શિવસેનાના નેતા સંજય રાઉતે કરેલી કમેન્ટ વિશે કંઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો.
મુંબઈમાં, મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, કેફી દ્રવ્યોના પ્રકરણ સાથે કંગનાને કોઈ પ્રકારનો સંબંધ છે કે નહીં એ વિશે મુંબઈ પોલીસ તપાસ કરશે.
દેશમુખના એક નિવેદનના પ્રત્યાઘાતમાં કંગનાએ ટ્વીટ કર્યું છે અને ડ્રગ્સની તપાસ કરાવવાનો એમને પડકાર ફેંક્યો છે. એણે એમ પણ લખ્યું છે કે, ‘હું મુંબઈ પોલીસ અને ગૃહ પ્રધાન અનિલ દેશમુખની આભારી છું. કૃપા કરીને મારી ડ્રગ્સ ટેસ્ટ લો. મારો તમામ ફોન કોલ્સ રેકોર્ડ પણ તપાસો. જો ડ્રગ્સની ચોરીના મામલામાં મારો કોઈ પણ સંબંધ જાણવા મળે તો હું મારી ભૂલ સ્વીકારી લઈશ અને કાયમને માટે મુંબઈ છોડી દઈશ.’