કંગનાની ઓફિસમાં તોડકામની કાર્યવાહી મુંબઈ હાઈકોર્ટે અટકાવી

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત સામે દેખીતી રીતે જ ખૂન્નસ રાખીને શિવસેનાના શાસનવાળી મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અહીં બાન્દ્રા (વેસ્ટ)ના વિસ્તારમાં કંગનાની ઓફિસમાં તોડકામની કાર્યવાહી શરૂ કરી હતી, પરંતુ કંગનાની પીટિશન બાદ મુંબઈ હાઈકોર્ટે વધુ તોડકામ કરવાની BMCને મનાઈ ફરમાવી દીધી છે.

કંગનાએ પાલી હિલ રોડ વિસ્તારમાં એનાં બંગલોમાં ઓફિસ બનાવી છે. એમાં ‘ગેરકાયદેસર બાંધકામ’ કરાયું છે એવું કારણ આપીને મહાપાલિકાએ એમાં ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી હતી. છેલ્લા કેટલાક વખતથી હિમાચલ પ્રદેશમાં પોતાનાં વતન મનાલીમાં રહેનાર કંગનાએ તેનાં વકીલ મારફત આ ડિમોલિશનને પડકારતી પીટિશન મુંબઈ હાઈકોર્ટમાં નોંધાવી હતી અને તોડકામની કાર્યવાહી સામે સ્ટે ઓર્ડર આપવાની માગણી કરી હતી. હાઈકોર્ટે તેનો સ્વીકાર કર્યો છે.

હાઈકોર્ટે મહાનગરપાલિકાને આદેશ આપ્યો છે કે તે કંગનાએ નોંધાવેલી અરજી ઉપર આવતીકાલ સુધીમાં તેનો જવાબ આપે. કોર્ટે આ કેસમાં વધુ સુનાવણી આવતીકાલ પર મુલતવી રાખી છે.

ઉલ્લેખનીય છે કે, બોલીવૂડના સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુનો કેસ ઉકેલવામાં મુંબઈ પોલીસે કરેલી તપાસ સામે કંગનાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેનાં વિરોધને વ્યાપક બળ મળ્યા બાદ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર કેસની તપાસ મુંબઈ પોલીસ પાસેથી છીનવી લઈને સીબીઆઈને સોંપી છે. દેખીતી રીતે જ, આને કારણે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ બે સહયોગી પાર્ટીઓ – શિવસેના અને કોંગ્રેસ ભડકી ગઈ છે. શિવસેના સંચાલિત મહાપાલિકાએ કંગનાની ઓફિસમાં તોડકામનો આદેશ આપ્યો તો કોંગ્રેસી ગૃહપ્રધાન અનિલ દેશમુખે દાવો કર્યો છે કે ડ્રગ્સના સેવન અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં કંગનાની કથિત સંડોવણીની પોતે મુંબઈ પોલીસ દ્વારા તપાસ કરાવશે.

કંગનાનાં વકીલ રિઝવાન સિદ્દિકીએ કહ્યું છે કે કંગનાની ઓફિસમાં તોડકામની નોટિસ ગેરકાયદેસર રીતે આપવામાં આવી હતી અને બીએમસીના ડિમોલિશન વિભાગના માણસો ગેરકાયદેસર રીતે કંગનાની ઈમારતમાં પ્રવેશ્યા હતા. ઈમારતમાં એવું કોઈ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતું નથી.