NCBએ મને નિવેદન આપવા મજબૂર કરીઃ રિયા ચક્રવર્તી

મુંબઈઃ બોલિવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાની જામીન અરજીમાં દાવો કર્યો છે તેની ધરપકડ દરમ્યાન તેને નિવેદન આપવા માટે મજબૂર કરવામાં આવી હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ડ્રગ્સના મામલે રિયાની ધરપકડના એક દિવસ પછી સ્પેશિયલ કોર્ટ આજે તેની અને તેના ભાઈ શોવિકની જામીન અરજી પર સુનાવણી કરશે. સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રિયાને મંગળવારે NCBએ ધરપકડ કરી છે. રિયાએ મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા પછી સ્પેશિયલ કોર્ટનાં દ્વાર ખટખટાવવાનો નિર્ણય કર્યો છે.

તાજી અરજી તેના વકીલ સતીશ માનશિંદે દ્વારા દાખલ કરવામાં આવી છે. રિયાએ દાવો કર્યો છે કે તેણે કોઈ ગુનો નથી કર્યો અને તેને આ મામલામાં ખોટી રીતે ફસાવવામાં આવી છે, એમ તેણે અરજીમાં કહ્યું છે. તેણે 20 પાનાંની અરજીમાં એ પણ દાવો કર્યો છે કે તેની પાસેથી કોઈ પણ ડ્રગ અથવા સાઇકોટ્રોપિક પદાર્થ જપ્ત નથી કરવામાં આવ્યો. આ સિવાય ઓછી માત્રામાં ડ્રગ્સ સંબંધિત મામલામાં જામીન મળવાની જોગવાઈનો ઉલ્લેખ પણ કર્યો છે અને તેણે કોઈ મોટો ગુનો કર્યો નથી. તેના ગુના સામે જામીન મળી શકે એમ છે.

કોઈ મહિલા અધિકારી હાજર નહીં

રિયાએ તેની જામીન અરજીમાં દાવો કર્યો છે કે તેની ધરપકડ દરમ્યાન તેને બળજબરીપૂર્વક નિવેદન આપવા મજબૂર કરવામાં આવી હતી. NCB ઓફિસમાં  છ, સાત અને આઠ સપ્ટેમ્બર, 2020એ પૂછપરછ કરવામાં આવી હતી. રિયાની આ ઊલટ તપાસ દરમ્યાન એક પણ મહિલા અધિકારી હાજર નહોતી, જે કાયદા અનુસાર તેની તપાસ કરી શકે.  શીલા બર્સે વિરુદ્ધ મહારાષ્ટ્રના કેસમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે મહિલાઓની પૂછપરછ માત્ર એક મહિલા પોલીસ અધિકારી-કોન્સ્ટેબલની હાજરીમા કરવામાં આવવી જોઈએ. સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

સ્પેશિયલ કોર્ટ જામીન અરજીની સુનાવણી કરશે

રિયાની ત્રણ દિવસની પૂછપરછ દરમ્યાન NCBએ ધરપકડ કરી હતી. તેની ધરપકડ પછી રિયાને એક સ્થાનિક કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી હતી. રિયાએ NCBની ઓફિસમાં એક રાત ગાળ્યા પછી ગઈ કાલે મુંબઈની ભાયખલ્લાની જેલમાં મોકલવામાં આવી હતી.