કોરોનાથી વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત બીજા નંબરે

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત રેકોર્ડ સ્તરે વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યાને મામલે અમેરિકા પછી ભારત બીજા નંબરે છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 95,735 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 1172 લોકોનાં મોત થયાં છે. દેશમાં બીજી સપ્ટેમ્બરથી પ્રત્યેક દિવસે 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 44,65,863 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 75,062 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 34,71,783 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,19,018 પહોંચી છે. રિકવરી રેટ વધીને 78 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.68 ટકા થયો છે.

પાંચ કરોડથી વધુ લોકોનાં ટેસ્ટ

ICMRના જણાવ્યા મુજબ નવમી સપ્ટેમ્બર સુધી કોરોના વાઇરસના કુલ 5.29 કરોડ લોકોનાં ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. જેમાંથી 11 લાખ લોકોનાં સેમ્પલનું ટેસ્ટિંગ કાલે કરવામાં આવ્યું હતું. પોઝિટિવિટી રેટ સાત ટકાથી ઓછો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.