મુસળધાર વરસાદ સાથે તેજ પવનઃ નાગરિકોને મુંબઈ પોલીસની ચેતવણી

મુંબઈઃ શહેરના તળ વિસ્તારો તથા ઉપનગરોમાં છેલ્લા ત્રણ દિવસથી મુસળધાર વરસાદ પડી રહ્યો છે અને કલાકના 70 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો હોવાને કારણે શહેરના વિવિધ ભાગોમાં પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આને કારણે નાગરિકોએ માત્ર અત્યંત જરૂરી હોય તો જ પોતાના ઘરની બહાર નીકળવું, અન્યથા ઘરમાં જ રહેવું એવી ચેતવણી મુંબઈ પોલીસે નાગરિકોને આપી છે અને અપીલ કરી છે.

વરસાદનું જોર વધ્યું છે અને સાથોસાથ પવન પણ તેજ ગતિએ ફૂંકાઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં નાગરિકોએ પોતાનો જાન જોખમમાં નાખવો નહીં.

ભારે પવનને કારણે મુંબઈમાં અનેક સ્થળોએ તોતિંગ ઝાડ તૂટી પડવાની અનેક ઘટનાઓ બની છે. મરીન ડ્રાઈવ વિસ્તારમાં સિગ્નલનો વિશાળ થાંભલો જમીનદોસ્ત થયો હતો.

ભાયખલામાં એક સ્થળે મોટું વૃક્ષ એના મૂળમાંથી ઉખડીને પડી ગયું હતું.

તો, અંધેરી (વેસ્ટ)માં જીવન નગર વિસ્તારમાં ‘ચિત્રલેખા’ મેગેઝિનનું કાર્યાલય જ્યાં આવેલું છે તે અંધેરી ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ઈમારતની બહારના પ્રવેશદ્વારની બાજુનું એક વર્ષો જૂનું અને ઘટાદાર વૃક્ષ પણ ધરાશાયી થયું હતું. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈને ઈજા થઈ નથી.

ભારે પવનને કારણે દક્ષિણ મુંબઈમાં બહુમાળી જસલોક હોસ્પિટલના બહારના ભાગમાં બેસાડેલી સીમેન્ટની વજનદાર જાળીઓ (ક્લેડિંગ) ખૂબ ભયજનક રીતે તૂટી પડી હતી અને હવામાં ઉડીને જ્યાં ત્યાં પડી હતી. એને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

મુંબઈ ઉપરાંત પડોશના પાલઘર જિલ્લાના વસઈ, નાલાસોપારા, વિરાર, પાલઘર શહેરોમાં તેમજ થાણે જિલ્લામાં થાણે શહેર, નવી મુંબઈમાં પણ મુસળધાર વરસાદ પડવાનું અને તેજ ગતિએ પવન ફૂંકાવાનું આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યું છે.

તમામ સ્થળોએ નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોની ટૂકડીઓ તાકીદની બચાવ કામગીરીઓ બજાવવા માટે તૈનાત કરવામાં આવી છે.

ગીરગામ ચોપાટી વિસ્તારમાં પણ દરિયામાં ભરતી આવતાં પાણી કિનારા પર ફરી વળ્યું હતું અને બહાર રોડ પર આવી ચડ્યું હતું.

જે. જે. હોસ્પિટલની અંદર વરસાદનાં પાણી ભરાયા…