મુંબઈઃ કોરોના વાઈરસ મહાબીમારીએ અત્યાર સુધીમાં અનેક જણનો ભોગ લીધો છે, પરંતુ મુંબઈમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં, એક માતા અને એના પોલીસજવાન દીકરાનું આ રોગચાળાને કારણે મૃત્યુ થયું છે.
કોરોનાને કારણે માતાનું મૃત્યુ નિપજ્યા બાદ સશસ્ત્ર પોલીસ દળમાં કાર્યરત એમના દીકરાનું પણ આ જ બીમારીને કારણે મૃત્યુ થતાં શહેરના પોલીસ દળમાં શોક વ્યાપી ગયો છે.
મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને કારણે ત્રણ પોલીસ જવાને જાન ગુમાવ્યો છે. રાજ્યના પોલીસ દળમાં આ રોગથી થયેલા મૃત્યુનો આંકડો વધીને 184 થયો છે.
એક જ દિવસમાં 500થી વધારે પોલીસકર્મી કોરોનાનો ચેપ લાગ્યો હોય એવું ગયા એક મહિના દરમિયાન બે વાર બન્યું છે.
મૃત્યુ પામેલા પોલીસ જવાનનું નામ છે વિકાસ કૃષ્ણા કાંબળે (53). એ વરલી વિસ્તારમાં ફરજ બજાવતા હતા. એમને બ્લડપ્રેશર અને ડાયાબિટીસની તકલીફ હતી. એમની ઉંમર અને બીમારી જોઈને એમને ફરજ પર હાજર થવામાંથી રાહત આપવામાં આવી હતી.
ગઈ 24 ઓગસ્ટે એમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એ વખતે બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સસ્થિત કોવિડ કેર સેન્ટરમાં એમની સારવાર ચાલુ હતી. ગયા બુધવારે મધરાત બાદ બે વાગ્યે એમણે અંતિમ શ્વાસ લીધો હતો. એ ખૂબ જ કાર્યક્ષમ પોલીસ જવાન હતા.
કમનસીબે, મૃત્યુ થયાના અમુક જ દિવસો પહેલાં એમના માતાનું પણ કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.
વિકાસ કાંબળેના પરિવારમાં એમના પત્ની અને એક ભાઈ છે. એમના પત્નીને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને તાબડતોબ એમને સારવાર અપાઈ ગયા બાદ હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
મુંબઈમાં છેલ્લા પાંચ મહિનાથી વધારે સમયમાં કોરોનાથી સંક્રમિત થયેલા પોલીસકર્મીઓનો આંકડો 5,000 પર પહોંચ્યો છે. 72 પોલીસ જવાનનું કોરોનાથી મૃત્યુ થયું છે. મુંબઈ ઉપરાંત પડોશના થાણે શહેરમાં પણ પોલીસોને કોરોનાનો ચેપ લાગ્યાના અનેક કિસ્સા બન્યા છે.