શિવસેનાના કાર્યકર્તાઓએ નેવી અધિકારીની મારપીટ કરી, છ લોકોની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની સામે એક કાર્ટૂન ફોર્વર્ડ કરવું નૌસેનાના ભૂતપૂર્વ અધિકારીને ભારે પડી ગયું હતું. ગઈ કાલે સાંજે ચાર કલાકે આશરે પાંચ-છ શિવસૈનિકોએ મળીને એક નિવૃત્ત અધિકારી મદન શર્માને મારપીટ કરી હતી. આ હુમલામાં શર્માને ગંભીર ઈજાઓ થઈ હતી, જેની સારવાર મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. મુંબઈ પોલીસે આ મામલે છ જણની ધરપકડ કરી છે. આ ધરપકડ કરવામાં આવેલા લોકોમાં એક શિવસેનાનો શાખાપ્રમુખ કમલેશ કદમ પણ છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના સવારે આશરે 11.30 કલાકે કાંદિવલીના લોખંડવાલા કોમ્પ્લેક્સ વિસ્તારમાં બની હતી. 65 વર્ષીય ભૂતપૂર્વ અધિકારી મદન શર્મા કાંદિવલીના ઠાકુર કોમ્પ્લેક્સની વસંત પ્રાઇડ કો-ઓપ સોસાયટીમાં રહે છે. તેમણે વોટ્સએપ ગ્રુપમાં ઠાકરે પર એક કાર્ટૂન ફોર્વર્ડ કર્યું હતું. એનાથી નારાજ થઈને કમલેશ કદમે પહેલાં તેમનાં નામ અને સરનામું પૂછ્યું હતું.  ત્યાર બાદ કેટલાક શિવસેનાના શાખાપ્રમુખ કમલેશ કદમ અને સંજય માંજરે સહિત આશરે એક ડઝન લોકો મારપીટ કરવામાં સામેલ હતા. આ મારપીટની ઘટના સોસાયટીના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ 325 અને તોફાન સંબંધિત જોગવાઈઓ હેઠળ છ લોકોની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલામાં મોડી સાંજે કમલેશ કદમ અને ત્રણ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભૂતપૂર્વ અધિકારી મદન શર્માએ કહ્યું હતું કે કાર્ટૂન ફોર્વર્ડ કરવાને પગલે મને ધમકીભર્યા ફોન આવી રહ્યા હતા. આઠ-10 લોકોએ મારી પર હુમલો કર્યો અને મને માર માર્યો. મેં પૂરી જિંદગી દેશ માટે કામ કર્યું છે.

ભાજપના વિધાનસભ્યએ શેર કર્યો વિડિયો

મહારાષ્ટ્રના ભાજપના વિધાનસભ્ય અતુલ ભાતખલકરે આરોપ મૂક્યો હતો કે કાંદિવલીમાં એક નિવૃત્ત નૌસેનાના અધિકારીની કેટલાક શિવસૈનિકોએ મારપીટ કરી છએ, કેમ કે તેમણએ સોશિયલ મિડિયા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વિશે એક કાર્ટૂન ફોર્વર્ડ કર્યું હતું..

કાર્ટૂન ફોર્વર્ડ કરવાને પગલે ધમકી

નિવૃત્ત અધિકારીની પુત્રી શીલા શર્માએ કહ્યું હતું કે કાર્ટૂન ફોર્વર્ડ કરવાને પગલે તેને પણ ધમકી મળી હતી. શિવસેનાના લોકોએ મારા પિતા પર હુમલો કર્યો હતો. આ પોલીસ મારા ઘરે આવી અને મારા પિતાને સાથે લઈ જવા પર ભાર મૂકતી હતી. અમે સમતાનગર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવ્યો છે. આ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસ સહિત ભાજપના કેટલાક નેતાઓ આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે.