રોગચાળા દરમિયાન મરાઠા અનામત મામલે મોરચા કાઢશો નહીંઃ ઉદ્ધવ ઠાકરેની જનતાને અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતા સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં એમણે મરાઠા અનામત, ખેતીવાડીની લોન માફી સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ સાથે એમણે કોરોના વાઈરસ રોગચાળાનો સામનો કરવા માટે ‘મારો પરિવાર, મારી જવાબદારી’ ઝુંબેશ લોન્ચ પણ કરી છે.

મરાઠા સમાજના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવા માટે પોતાની સરકાર ન્યાયની લડત ચલાવશે અને કાયદો ઘડશે, એમ તેમણે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મરાઠા સમાજને અનામતનો લાભ આપવાના રાજ્ય સરકારના નિર્ણયના અમલ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે.

હાલ કોરોના રોગચાળાની અસર ચાલુ છે તે દરમિયાન લોકો મરાઠા અનામત મામલે મોરચા કે વિરોધ કૂચ ન કાઢે એવી ઠાકરેએ જનતાને અપીલ કરી છે.

કોરોના વાઈરસ બીમારી સામે લડવામાં સાવચેત અને જવાબદાર બની રહેવા ઠાકરેએ જનતાને ખાસ અપીલ કરી છે.

એમણે કહ્યું કે કોરોના વાઈરસ કટોકટી હજી સમાપ્ત નથી થઈ અને વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ તેના એક અહેવાલમાં આમ જણાવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર તબક્કાવાર અનલોક પ્રક્રિયા હાથ ધરી રહી છે. લોકોએ આ સમય દરમિયાન સંયમ જાળવવાની જરૂર છે. દરેક ધર્મના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને એમના ઉત્સવોની ઉજવણી કરી છે. તે છતાં પોતાના પરિવારજનો તથા મિત્રોનું રક્ષણ કરવામાં પણ સતર્ક રહેવાની જરૂર છે.

ઠાકરેએ કહ્યું કે એવું જોવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો એમના મિત્રો તથા સંબંધીઓને મળતી વખતે એમના મોઢા પરથી માસ્ક ઉતારી નાખે છે. આમ કરવું બરાબર નથી, માસ્કને આખો વખત પહેરી રાખવો જોઈએ.

ઠાકરેએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર રાજ્યમાં આવતી 15 સપ્ટેમ્બરે મારો પરિવાર, મારી જવાબદારી નામક એક ઝુંબેશ શરૂ કરવાના છીએ. આનો મતલબ એ છે કે લોકોએ વ્યક્તિગત રીતે એમની પોતાની, એમના પરિવારજનોની અને એમના વિસ્તારની કાળજી રાખવાની રહેશે, જે આખરે સરકારને રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવામાં મદદ કરશે.

ઠાકરેએ જનતા સાથે સંવાદ મરાઠી ભાષામાં બોલીને કર્યો હતો. એમણે કહ્યું કે કેટલાક સ્થાપિત હિતો મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે કોઈ રાજકીય ઝંઝાવાત આવશે, હું એનો સામનો કરીશ… હું કોરોના વાઈરસનો પણ સામનો કરીશ. હાલને તબક્કે હું રાજકારણ વિશે બોલવા માગતો નથી, પરંતુ એનો મતલબ એ નથી કે મારી પાસે જવાબ નથી. મારા મૌનને કમજોરી તરીકે ગણવી ન જોઈએ. છેલ્લા અમુક દિવસોમાં પોતાની સરકાર રાજ્યમાં જનજીવનને ફરી થાળે પાડવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. લોકોએ આમાં સરકારને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે, એની તેમણે નોંધ પણ લીધી છે.

દેશમાં, મહારાષ્ટ્ર કોરોના વાઈરસથી સૌથી વધારે માઠી અસર પામેલું રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 10,37,765 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમાં 2,79,768 કેસ સક્રિય છે અને 7,28,512 જણ સાજા થઈ ચૂક્યા છે. મૃત્યુદર 2.81 ટકા રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]