રાણાદંપતીનો શરતી જામીન પર છૂટકારો

મુંબઈઃ પોલીસની પરવાનગી ન મળવા છતાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અંગત નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનું પઠન કરવાની જાહેરાત કરવા બદલ ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રનાં અપક્ષ સંસદસભ્ય નવનીતકૌર રાણા અને એમનાં અપક્ષ વિધાનસભ્ય પતિ રવિ રાણાની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે. અહીંની એક વિશેષ અદાલતે જોકે અમુક શરતો ઉપર રાણાદંપતીને જામીન પર છોડવાની મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું છે કે અરજદારોએ ખાતરી આપવાની રહેશે કે જામીન પર છૂટકારાની મુદત દરમિયાન તેઓ આ પ્રકારનો ગુનો ફરી વાર નહીં કરે અને આ કેસના સંબંધમાં કોઈ પણ વિષય અંગે પત્રકાર પરિષદને સંબોધિત કરશે નહીં.

મુંબઈ પોલીસે ગઈ 23 એપ્રિલે રાણાદંપતીની ધરપકડ કરી હતી અને એમની પર ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી)ની રાજદ્રોહ, કોમી વૈમનસ્યને ઉત્તેજન આપવા સહિત અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. નવનીતકૌર રાણા પૂર્વ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાનાં સંસદસભ્ય છે જ્યારે એમનાં પતિ રવિ અમરાવતી જિલ્લાના બડનેરા મતવિસ્તારના અપક્ષ વિધાનસભ્ય છે.