નવી-મુંબઈમાં કાર વીજળીના-થાંભલા સાથે અથડાઈ; બેનાં મરણ

મુંબઈઃ પડોશના નવી મુંબઈ શહેરના પામ બીચ રોડ પર વહેલી સવારે થયેલા એક કાર અકસ્માતમાં બે જણના કરૂણ મરણ નિપજ્યા છે અને બીજા એક જણને ઈજા થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ, ગમખ્વાર અકસ્માત વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે થયો હતો. ખૂબ સ્પીડમાં જતી કાર રસ્તાની વચ્ચે મૂકવામાં આવેલી રેલિંગ સાથે અથડાઈ હતી અને પછી વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી.

કારના ડ્રાઈવર નીતિન મેથ્યૂ (24)ને ઈજા થઈ છે અને એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એણે સીટબેલ્ટ પહેર્યો હતો અને એરબેગ્સ ખૂલી જતાં એ માથામાં ઈજા થવામાંથી બચી ગયો હતો, પરંતુ એને પગમાં ઈજા થઈ છે. કારમાં બેઠેલા એના બે મિત્ર – શ્રેયસ ઠોસર (22) અને હર્ષલનું મૃત્યુ થયું છે. કાર નવી મુંબઈના વાશી ઉપનગરથી બેલાપુર ઉપનગર તરફ જતી હતી ત્યારે અકસ્માત થયો હતો. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ખોઈ બેસતાં કાર રેલિંગ સાથે અને પછી વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. ડ્રાઈવર સામે બેફામ રીતે કાર હંકારવા, બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ કરવા અને બે વ્યક્તિનું મરણ નિપજાવવાનો પોલીસે ગુનો નોંધ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]