મુંબઈ : કોરોના વાઈરસના ફેલાવાએ ઊભા કરેલા ગભરાટને પગલે મહારાષ્ટ્ર સરકારે એક નાટ્યાત્મક પગલું ભરીને મહારાષ્ટ્રના મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, પિંપરી અને ચિંચવડ અને નાગપુર શહેરોમાં તમામ જિમ્નેશિયમ, થિયેટર, શોપિંગ મોલ્સ, ઓડિટોરિયમ, સ્વિમિંગ પૂલને આજે મધરાતથી બંધ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત રાજ્ય વિધાનસભામાં કરી હતી.
ઠાકરેએ કહ્યું કે સરકારે 13 માર્ચની મધરાતથી અમલમાં આવે એવો નિર્ણય એપિડેમિક ડિસીઝીસ એક્ટ-1897ના આધારે લીધો છે.
ઠાકરેએ જણાવ્યું છે કે કોરોના રોગચાળાના જોખમને ધ્યાનમાં લઈને રાજ્યમાંની કંપનીઓએ જ્યારે જરૂર પડે ત્યારે એમના કર્મચારીઓને એમના ઘેરથી કામ કરવાની પરવાનગી આપવી જોઈએ.
ઠાકરેએ કહ્યું કે પુણે અને પડોશના પિંપરી ચિંચવડ શહેરોમાં વધુ આદેશો ન મળે ત્યાં સુધી શાળાઓ બંધ રાખવામાં આવશે.
તે છતાં, જે શાળાઓમાં એસએસસીની પરીક્ષાઓ ચાલુ છે એ સમયપત્રક પ્રમાણે જ ચાલુ રહેશે.
ઠાકરેએ વિધાનસભામાં જાણકારી આપી હતી કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 જણનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આમાં ત્રણ-ત્રણ જણ મુંબઈ અને નાગપુરમાં છે, 10 દર્દી પુણેમાં છે અને એક થાણેમાં છે.
મુખ્ય પ્રધાને લોકોને અપીલ કરી છે કે એમણે શોપિંગ મોલ્સમાં ખરીદી કરવા જવાનું ટાળવું.
