કોંગ્રેસ છોડીને આવેલાં પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ રાજ્યસભાની ટિકિટ આપી

મુંબઈઃ કોંગ્રેસ સાથે વિવાદ થયા બાદ એ પાર્ટી છોડીને શિવસેનામાં આવી ગયેલા પ્રિયંકા ચતુર્વેદીને શિવસેનાએ રાજ્યસભાની ટિકિટ આપી છે. રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની છે.

શિવસેનાએ પોતાના ક્વોટામાંથી રાજ્યસભાની સીટ પરથી પ્રિયંકા ચતુર્વેદીની ઉમેદવારીની જાહેરાત કરી છે.

જોકે ચતુર્વેદીએ હજી સુધી ઉમેદવારી પત્ર ભર્યું નથી.

ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં સામેલ થયા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં આદિત્ય ઠાકરે માટે પ્રચાર કર્યો હતો. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અત્યાર સુધી ચતુર્વેદીને કોઈ મોટી જવાબદારી સોંપી નથી, પરંતુ હવે એમણે ચતુર્વેદીને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય લીધો છે.

અગાઉ એવી ચર્ચા હતી કે ઔરંગાબાદના ભૂતપૂર્વ સંસદસભ્ય ચંદ્રકાંત ખૈરેને શિવસેના રાજ્યસભાની સીટ આપશે, પરંતુ હવે પ્રિયંકાનું નામ પસંદ કર્યું હોવાથી શિવસેનાના જૂના અને વરિષ્ઠ નેતાઓ કદાચ નારાજ થાય એવી સંભાવના છે.

રાજકારણમાં ઝુકાવતાં પહેલાં પ્રિયંકા ચતુર્વેદીએ જનસંપર્ક અને મિડિયા ક્ષેત્રોમાં કામ કર્યું હતું. એ મિડિયામાં જુદા જુદા પ્રકાશનો માટે લેખ પણ લખે છે. તેઓ MPA કન્સલ્ટન્સી કંપનીનાં ડાયરેક્ટર છે. તેઓ 2010માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયાં હતાં. એ વખતે એમને કોંગ્રેસ પાર્ટીએ ભારતીય યુવા કોંગ્રેસના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.