મુંબઈમાં વિમાનની ખાલી સીટની નીચેથી સાડા 4 કરોડની કિંમતનું સોનું મળી આવ્યું

મુંબઈ – ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)ના અધિકારીઓએ મુંબઈમાં સોનાની દાણચોરીના એક આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અહીંના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એમણે દુબઈથી આવી પહોંચેલા એર ઈન્ડિયાના એક વિમાનની સીટની નીચેથી લગભગ રૂ. 4 કરોડ 54 લાખની કિંમતનું સોનું જપ્ત કર્યું છે.

પોતાના મુંબઈ એકમને પાકી બાતમી મળ્યા બાદ ડીઆરઆઈના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરી હતી અને ત્વરિત પગલું લઈ વિમાનમાં ચેકિંગ કરતાં એમને બે સીટની નીચે છુપાડેલું 16 કિલોગ્રામ સોનું મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ સોનાની કિંમત રૂ. 4.54 કરોડ થાય છે.

સત્તાવાળાઓએ આ કિસ્સાના સંદર્ભમાં ત્રણ પ્રવાસીને અટકમાં લઈને એમની પૂછપરછ આદરી હતી, કારણ કે આ શંકાસ્પદ આરોપીઓની સીટ નીચે જ તે સોનું સંતાડવામાં આવ્યું હતું.

ત્રણેય જણે ગુનો કબૂલ કર્યો છે. એમણે કહ્યું કે પૈસાના બદલામાં એમણે સોનું સીટની નીચે સંતાડ્યું હતું.

જેમને અટકમાં લેવામાં આવ્યા છે એમના નામ છે – ઈમરાન તઝનીમ, ફહાદ શેખ અને ધર્મેશ સોની.

કહેવાય છે કે મોહમ્મદભાઈ નામના એક ઈસમે આ ત્રણેય જણને દુબઈમાં આ સોનું આપ્યું હતું અને એમને વચન આપ્યું હતું કે વિમાન જેવું ભારતમાં ઉતરે ત્યારે તેઓ જો એમની સીટની નીચે આ સોનું છુપાડી દેશે તો એમને રોકડ ઈનામ આપવામાં આવશે. તેઓ સોનું સીટ નીચે છોડી દેશે ત્યારબાદ વિમાનની સફાઈ કરતી વેળા કોઈ પ્રવાસી અથવા સ્ટાફનો કોઈ સભ્ય એ સોનું લઈ લેશે. આમ, આ કૌભાંડમાં એ લોકો પણ સામેલ હતાં. વિમાન મુંબઈમાં ઉતર્યું કે તરત જ ડીઆરઆઈના અધિકારીઓ વિમાનની અંદર ગયા હતા અને સોનું જપ્ત કર્યું હતું. અધિકારીઓએ ઉક્ત ત્રણેય જણની અટક પણ કરી હતી.

વિમાન મુંબઈથી અમદાવાદ જવાનું હતું. ધર્મેશ સોની અને ફરહાદ શેખ મુંબઈના રહેવાસી છે જ્યારે ઈમરાન દિલ્હીનો રહેવાસી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]