ઠાકરેની સહીવાળી ફાઈલ સાથે છેડછાડઃ પોલીસમાં ફરિયાદ

મુંબઈઃ અત્રે મહારાષ્ટ્ર સરકારના વહીવટીય મુખ્યાલય (સચિવાલય કે મંત્રાલય)ની સુરક્ષા વ્યવસ્થામાં મોટું અને ગંભીર પ્રકારનું ઉલ્લંઘન થયાનો કિસ્સો બન્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સહી કરેલી એક ફાઈલ સાથે છેડછાડ કરવામાં આવી છે અને એમણે લીધેલા નિર્ણયને પલટાવી નાખવામાં આવ્યો છે. આ સંદર્ભમાં મરીન ડ્રાઈવ વિસ્તારના પોલીસ સ્ટેશને છેતરપીંડી અને બનાવટની ફરિયાદ નોંધી છે. આ છેડછાડ કરવા પાછળનો ઈરાદો એક તપાસ બંધ કરાવી દેવાનો હોવાનું માલૂમ પડ્યું છે.

બનાવની વિગત એવી છે કે જાહેર બાંધકામ વિભાગના એક સુપ્રીન્ટેન્ડન્ટ એન્જિનિયર સામે વિભાગીય તપાસને મુખ્ય પ્રધાન ઠાકરેએ સહી કરીને પાસ કરી હતી, પરંતુ બાદમાં એમની સહીની ઉપર લાલ શાહી વડે એક નકલી નોંધ લખવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે તપાસને બંધ કરી દેવી જોઈએ. સંબંધિત પોલીસ સ્ટેશને અજાણી વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ ભાજપની સરકારે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટના મકાનમાં થોડાક વર્ષો પહેલાં કરાયેલા એક કામકાજમાં કરવામાં આવેલી નાણાકીય ગેરરીતિઓમાં અનેક એન્જિનીયરો સામે વિભાગીય તપાસ કરાવવાની ભલામણ કરી હતી. એમાંના એક એન્જિનીયર – નાના પવાર હાલ સુપ્રીન્ટેન્ડન્ટ એન્જિનીયર છે. 2019માં નવી સરકાર સત્તા પર આવ્યા બાદ જાહેર બાંધકામ ખાતાના પ્રધાન અશોક ચવાણે કેસમાં તપાસ કરવાની મંજૂરી આપી હતી અને તે ફાઈલ મુખ્ય પ્રધાન ઠાકરેની મંજૂરી માટે એમને મોકલવામાં આવી હતી. ઠાકરેએ પણ તેની પર સહી કરીને તપાસને મંજૂરી આપી દીધી હતી.