મુંબઈઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારનું નાણાકીય વર્ષ 2023-24 માટેનું કેન્દ્રીય બજેટ આજે સંસદમાં રજૂ કરી દીધું છે. તે વિશે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રના નિષ્ણાતોએ પોતાનાં અભિપ્રાય વ્યક્ત કર્યા છે.
વિકાસલક્ષી અને રોજગારલક્ષી બજેટ
મને લાગે છે કે આઠ વર્ષોમાં પહેલી વાર એવું બજેટ રજૂ થયું છે જે વિકાસલક્ષી અને રોજગારલક્ષી છે. રાજકોષીય ખાધ સતત ઘટાડવાના કમિટમેન્ટ છતાં કરમાં ઘટાડો કરવામાં આવ્યો છે એ જોતાં એવી કલ્પના નહોતી કે આવું સારું બજેટ આવશે. નાણાપ્રધાનની વેરા ઘટાડાની જાહેરાતો સાથે નિફ્ટી અઢી ગણો વધી ગયો અને જેમ જેમ બજેટ દરખાસ્તો લોકોની સમજમાં આવતી જશે તેમ બજાર વધશે. બીજું એવી દહેશત હતી કે સંપત્તિ સર્જન પરના વેરાઓમાં બહુ મોટા ફેરફાર આવશે એ ડર પણ સાચો પડ્યો નથી એની પણ બજાર પર હકારાત્મક અસર પડી છે.
વિશ્વમાં મંદી ફરી વળવાનો ભય છે એની અસરે અહીં પણ થશે એવી સંભાવના છે પરંતુ મને લાગે છે કે નાણાકીય વર્ષના પ્રથામાર્ધ સુધીમાં તેની અસરમાંથી આપણે બહાર આવી જઈશું.
મૂડીબજાર માટે બજેટ બહુ સારું છે. રોકાણકારોને મારી સલાહ છે કે સવારે ખરીદીને સાંજે વેચવાનું એને ઈન્વેસ્ટમેન્ટ ન કહેવાય. ત્રણથી પાંચ વર્ષ માટે રોકાણ કરો એને ઈન્વેસ્ટમેન્ટ કહેવાય તો લાબા ગાળાનું રોકાણ કરો, એસએમએસની ટિપ્સ પર ભરોસો ન કરો. દેશનું ભાવિ ઉજ્જવળ છે એટલે શેરબજારમાં રોકાણ કરવા સાથે તમારું પણ ભવિષ્ય સુધરશે.