પૅન કાર્ડને હવે સરકારી ઍજન્સીઓ ઓળખપત્ર તરીકે ગણશે

મુંબઈઃ અત્યાર સુધી પૅન નંબર ફક્ત આવક વેરા ખાતા માટે અને KYC માટે ઉપયોગમાં લેવાતો હતો, પરંતુ હવે કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારામને આજે તે વિશે બજેટમાં મોટી જાહેરાત કરી છે. હવેથી પૅન કાર્ડ સરકારી ઍજન્સીઓમાં તમામ ડિજિટલ સિસ્ટમ માટે ઓળખ પ્રસ્થાપિત કરવાનું માધ્યમ બની જશે.

આ પગલાને લીધે કેવાયસીની પ્રક્રિયા સરળ બનશે અને આવક વેરા ખાતા ઉપરાંત અન્ય સરકારી ઍજન્સીઓને પણ પૅનધારકોના દસ્તાવેજો બાબતે સુવિધા રહેશે. દેશમાં તેનાથી ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસ પણ વધશે, એમ નાણાપ્રધાને કહ્યું છે.

પૅનધારક ડિજિ લૉકરમાં ઉપલબ્ધ કરાવવામાં આવનારી સિંગલ વિન્ડો મારફતે કેવાયસી અપડેટ કરી શકશે. આજની તારીખે આવક વેરાનાં કાર્યાલયો, બૅન્કો, વગેરે અનેક જગ્યાએ કેવાયસી અપડેટ કરાવવું પડે છે, પરંતુ હવેથી ડિજિ લૉકર મારફતે એ કામ થઈ શકશે.

જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કહ્યું છે કે આ પગલું યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયા સમાન છે. આ યોજનાનો ચુસ્તપણે અમલ કરવાનું આહ્વાન પણ એમણે કર્યું છે.