ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઐતિહાસિક મુંબઈ સેશનમાં 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે મત આપ્યો હતો. IOC સભ્ય નીતા અંબાણીએ લોકપ્રિય રમતના સમાવેશને આવકારતા કહ્યું હતું કે વિશ્વના નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક મૂવમેન્ટ માટે તેમાં ઘણી નવી રુચિ અને તકો આકર્ષવાની ક્ષમતા છે.
મુંબઈમાં ચાલી રહેલા 141મા IOC સેશનમાં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સ્વીકાર થયા પછી નીતા અંબાણીએ કહ્યું, “આઈઓસીના સભ્ય, ગૌરવશાળી ભારતીય અને પ્રખર ક્રિકેટ ચાહક તરીકે, મને આનંદ છે કે IOC સભ્યોએ LA સમર ઓલિમ્પિક્સ 2028 માં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સમાવવા માટે મત આપ્યો છે.”
અગાઉ વર્ષ 1900ની ઓલિમ્પિક્સમાં ફક્ત એક જ વખત ક્રિકેટ જોવા મળી છે. ત્યારે પણ ફક્ત બે ટીમે ભાગ લીધો હતો. નીતા એમ. અંબાણીએ વધુમાં કહ્યું કે, “ક્રિકેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિય રમતોમાંની એક અને વિશ્વમાં બીજી સૌથી વધુ જોવાતી રમત છે. 1.4 અબજ ભારતીયો માટે ક્રિકેટ એ માત્ર રમત નથી, તે એક ધર્મ છે!,”
નીતા એમ. અંબાણીએ ઉમેર્યું કે,આઇ.ઓ.સી.ના ઇતિહાસમાં આ ફક્ત 2જી વખત તેનું સત્ર ભારતમાં યોજાઈ રહ્યું છે, આ પહેલાં તે 40 વર્ષ અગાઉ ભારતમાં યોજાયું હતું. ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય આ રમતના હાર્દસમા ગણાતા ભારતમાં લેવાયો છે. “આપણા દેશમાં મુંબઈમાં બરાબર અહીં આઈઓસીના 141મા સત્રમાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો તેનો મને ખૂબ આનંદ છે”. એમણે આશા વ્યક્ત કરી હતી કે આ જાહેરાત સાથે વિશ્વભરમાં આ રમતની અપીલમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. “ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાનના ઊંડા જોડાણની રચના કરશે. અને તેની સાથે-સાથે, ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પણ પ્રેરકબળ પૂરું પાડશે.”
આઇ.ઓ.સી. સભ્ય બનનારા પ્રથમ ભારતીય મહિલા નીતા એમ. અંબાણીએ આને ભારત માટે ખૂબ જ આનંદનો દિવસ ગણાવતા કહ્યું કે, “હું આ સીમાચિહ્નરૂપ નિર્ણયના સમર્થન બદલ આઇ.ઓ.સી. અને એલ.એ. ઓર્ગેનાઇઝિંગ કમિટીનો આભાર માની તેમને અભિનંદન પાઠવું છું. આ ખરેખર વિશેષ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે.”