નવા નાગરિકતા કાયદા અંગે મહારાષ્ટ્રના નાગરિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈ/નાગપુર – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકતા સુધારા કાયદા (CAA) સામે થઈ રહેલા વિરોધના સંદર્ભમાં આજે જણાવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યમાં કોઈ પણ નાગરિકે તેમના હાંકી કાઢવામાં આવશે એવો ભય રાખવાની જરૂર નથી.

અહીં રાજ્ય વિધાનસભામાં એમણે કહ્યું હતું કે રાજ્યમાં શાંતિ જળવાવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે CAA અને સૂચિત નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના મુદ્દે છેલ્લા બે દિવસ દરમિયાન મહારાષ્ટ્રમાં છૂટીછવાઈ હિંસાના બનાવો બન્યા હતા.

ઠાકરેએ કહ્યું છે કે રાજ્ય સરકાર કોઈ પણ સમુદાય કે ધર્મના નાગરિકોના અધિકારોનું ઉલ્લંઘન થવા નહીં દે. જે લોકોને વિરોધ કરવાની ઈચ્છા હોય તેઓ સત્તાવાળાઓને આવેદનપત્ર આપી શકે છે અને વિરોધ શાંતિપૂર્વક રીતે કરી શકે છે. તમે મને પણ મળી શકો છો. નાગરિકોએ એવો કોઈ પણ ભય રાખવાની જરૂર નથી કે કાયદાના અમલ બાદ દેશમાંથી એમને હાંકી કાઢવામાં આવશે. મહારાષ્ટ્ર દરેક સમાજ, ધર્મના લોકોના અધિકારો અને હિતનું રક્ષણ કરવા સમર્થ છે.

ઠાકરેએ વધુમાં કહ્યું કે એવી કોઈ પણ ઘટના બનવી ન જોઈએ કે જેનાથી મહારાષ્ટ્ર રાજ્યની પ્રતિષ્ઠાને લાંછન લાગે.

ઠાકરેએ બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે CAA અને NRC અંગે ઘણો અસંતોષ અને ગેરસમજ પ્રવર્તી રહી છે. વિરોધ કૂચ કાઢવામાં આવી રહી છે, હિંસા પણ થઈ છે. સુપ્રીમ કોર્ટે હજી આ કાયદાની બંધારણીય કાયદેસરતા અંગે નિર્ણય જાહેર કર્યો નથી. હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તેઓ શાંતિ જાળવે.