‘અમારી સરકાર બુલેટ ટ્રેનવાળાઓની નહીં, રિક્ષાવાળાઓની છે’: ઉદ્ધવ ઠાકરે (ફડણવીસને)

મુંબઈ/નાગપુર – મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દેશની અર્થવ્યવસ્થા, નાગરિકતા કાયદા અને ગાયની હત્યા જેવા ગંભીર મુદ્દાઓ પર ગઈ કાલે એમના પુરોગામી અને રાજ્ય વિધાનસભામાં વિપક્ષી (ભાજપ) નેતા દેવેન્દ્ર ફડણવીસની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

નાગપુરમાં મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના ગઈ કાલે ચોથા દિવસે ઠાકરેએ પોતાની સરકાર વિશે ફડણવીસે ઉડાવેલી એક મજાકનો જવાબ આપતા કહ્યું હતું કે મારી સરકાર ગરીબ લોકો અને આમ જનતાની છે. બુલેટ ટ્રેનવાળાઓની નહીં.

ફડણવીસે અગાઉ ચર્ચા દરમિયાન એમ કહ્યું હતું કે રાજ્યમાં મહાવિકાસ આઘાડીની સરકાર ત્રણ-પૈડાંવાળી સરકાર છે. આ સરકાર વધારે દિવસ સુધી ચાલવાની નથી.

એના જવાબમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હા, અમારી સરકાર ત્રણ-પૈડાંનાં રિક્ષાચાલકો, ગરીબો અને આમ જનતાની સરકાર છે. અમારી સરકાર બુલેટ ટ્રેનવાળાઓની નથી. ત્રણ-પૈડાંની રિક્ષા સામાન્ય માનવી સુધી પહોંચી શકે છે જ્યારે બુલેટ ટ્રેન સામાન્ય માનવી સુધી પહોંચી શકતી નથી. અમને બુલેટ ટ્રેન પરવડી ન શકે.

ઠાકરેએ ભાજપની નીતિઓની ઝાટકણી કાઢતાં કહ્યું કે મેક ઈન ઈન્ડિયા બાદ નોટબંધી અને જીએસટી અમલીકરણના નિર્ણયોને કારણે દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે લથડી ગઈ છે. એમાં ધર્મ અને રાજકારણને ભેગા કરવાની ભાજપે નવી ભૂલ કરી છે.

ઠાકરેએ એમ પણ કહ્યું કે અમે બોલીશું ઓછું અને કામ વધારે કરીશું. અમારે ગતિ, પ્રગતિ, અધોગતિ જેવી બાબતોમાં પડવું નથી. અમે ભાજપની પાલખી કંઈ કાયમને માટે ઉપાડવાના નથી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]