3500 પાકિસ્તાની હિન્દુઓને રૂપાણી સરકાર નાગરિકતા આપશે

ગાંધીનગરઃ નાગરિકતા સંશોધન કાયદાને લઈ ગુરુવારે ગુજરાતના અમદાવાદ સહિત બનાસકાંઠાના છાપીમાં હિંસક પ્રદર્શન જોવા મળ્યું હતું. અમદાવાદમાં હિંસક ટોળાના પથ્થરમારામાં 21 જેટલાં પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એકબાજુ સીએએનાં વિરોધ વચ્ચે સરકાર ગુજરાતનાં 3500 જેટલાં પાકિસ્તીની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપશે.

સરકાર તરફથી મળેલી જાણકારી અનુસાર, ગુજરાતમાં રહેતાં 3500 જેટલાં પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. ગુજરાતના કચ્છ, મોરબી, બનાસકાંઠા, રાજકોટ સહિત 5 અલગ-અલગ પાંચ જિલ્લાઓમાં વસવાટ કરી રહેલાં આ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. આ તમામ હિન્દુ શરણાર્થીઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતથી આવ્યા હતા. અને પાકિસ્તાનમાં અત્યાચારોથી ત્રાસીને તેઓ ગુજરાતની શરણે આવ્યા હતા.

આ તમામ લોકોમાં મોટો હિસ્સો પાકિસ્તાનથી ભારત આવેલા સોઢા રાજપૂત સમાજનો છે જેઓ ગુજરાતી ભાષા બોલે છે તથા પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયેલાં અત્યાચારોથી ત્રાસીને ભારત આવીને વસી ગયા હતા. આ શરણાર્થીઓમાં હાલ 1,100 લોકો મોરબી, 1,000 લોકો રાજકોટ, 250 લોકો કચ્છ, 500 લોકો બનાસકાંઠા અને બાકીના અન્ય જિલ્લાઓમાં વસી રહ્યા છે.

એકબાજુ ગુજરાત સહિત દેશભરમાં CAA મામલે હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. તો હવે નવા કાયદા મુજબ અત્યાચારનો ભોગ બનેલાં લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન થયેલ હિંસા મામલે પોલીસે પાંચ હજારનાં ટોળા સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નાગરિકતા કાયદાના વિરોધમાં ગઈકાલે સમગ્ર અમદાવાદ શહેરમાં હિંસા ફાટી નીકળી હતી. ગુરુવારનો આખો દિવસ શહેરમાં અજંપાભરી સ્થિતિ બાદ સાંજે વાતાવરણ તંગ બન્યું હતું. ઠેકઠેકાણે આગચંપી, પત્થરમારાના બનાવો બન્યા હતા. અમદાવાદ શહેરના લગભગ 10થી વધુ વિસ્તારોમાં દેખાવો થયા હતા. તો સિટી વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી. પોલીસ જવાન, એસઆરપી કંપની, હોમગાર્ડ સહિતના 8000 જવાનો તૈનાત હોવા છતાં શહેરમાં તોફાનો થયા હતા. જેમાં 21 પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ઈસનપુર પોલીસે 5000ના ટોળા સામે ફરિયાદ નોંધી છે.