ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞનો આજે ત્રીજો દિવસ, લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા

ઉંઝાઃ ઉમિયાનગર ખાતે ૧૮ તારીખથી રંગેચંગે શરૂ થયેલા માં ઉમાના મહાલક્ષચંડી મહાયજ્ઞમાં સવારથી જ શ્રધ્ધાળુઓએ દર્શન અને મુલાકાત લેવા માટે ભારે ધસારો નોંધાવ્યો હતો. અને સવારે ૭ વાગ્યાથી મુખ્ય બ્રાહ્મણ અને ૧૧૦૦ બ્રાહ્મણો દ્વારા મહાયજ્ઞાની વિધિ આગળ ધપાવવામાં આવી હતી. લક્ષચંડી મહાયજ્ઞાના બીજા દિવસે ગુરુવારના રોજ માતાજીના નિજમંદિર અને મહાયજ્ઞાના દર્શન માટે બહારથી આવતા પાટીદાર સહિત તમામ સમાજોએ ભારે ધસારો નોંધાવતાં મંદિર પરિસર અને ઉમિયાનગર ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર આવ્યું હતું. પ્રથમ માતાજીના મંદિરમાંના અમૂલ્ય દર્શન કરીને તમામ લોકો મહાયજ્ઞના દર્શન કરવા માટે ઉમિયાનગર ખાતે ઉમટયા હતા.

લક્ષચંડી મહાયજ્ઞામાં માતાજીના ભક્તો દ્વારા અવિરતપણે દાનનો પ્રવાહ વહેવડાવવમાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના એક ભક્ત સતીષભાઈ પટેલ અને તેમના માતૃશ્રી પાર્વતીબેન પટેલ સહિતના પરિવાર દ્વારા માં ઉમાને મગમાળા, નથણી અને હાર સહિતના ૭ તોલાના સોનાના આભૂષણો અર્પણ કરાયા હતા.

બીજા દિવસે પાંચ લાખમાંથી 4.5 લાખ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. 1600થી વધુ સ્વયંસેવકોએ ભક્તો માટે 3.5 લાખથી વધુ લાડુ બનાવ્યા હતા.

મહોત્સવના બીજા દિવસે પણ મહાયજ્ઞાના દર્શનાર્થે આવી રહેલા શ્રધ્ધાળુઓ દ્વારા માતાજીના ચરણોમાં કરોડો રૂપિયાના દાનનો ધોધ ચાલુ રહેવા પામ્યો છે ત્યારે આ બે દિવસ દરમિયાન શ્રધ્ધાળુઓ દ્વારા પ૦ તોલા સોનુ પણ માતાજીના ચરણોમાં અર્પણ કરાયું છે.

પ્રથમ પુષ્પવર્ષાની ઉછામણી ર લાખ પ૧ હજાર  લક્ષચંડી મહાયજ્ઞા મહોત્સવ દરમિયાન હેલિકોપ્ટરમાંથી મંદિર અને યજ્ઞાશાળા પર પુષ્પવર્ષા કરવાની પણ ઉછામણી કરાઈ હતી. જેમાં પ્રથમ પુષ્પવર્ષાના સૌભાગી ખોરજ ગામના મુકેશભાઈ પટેલ અને તેમનો પરિવાર બન્યો હતો. ઉલ્લેખનીય છે કે રોજે રોજ એક શ્રધ્ધાળુ ૩૦ મિનિટ સુધી હેલીકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરશે અને પ્રતિદિન ર૦૦થી વધુ લોકો આ હેલિકોપ્ટરમાંથી પુષ્પવર્ષા કરી રહ્યા છે.

માં ઉમિયાના આ લક્ષચંડી યજ્ઞના દર્શનનો લ્હાવો લેવા માટે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આવ્યા હતા. તેમણે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના તમામ પેવેલીયન અને યજ્ઞશાળાની મુલાકાત લીધી હતી. અહીંયા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગને જોઈને માંડવિયા ખુશ થયા હતા અને કહ્યું કે ધન્યતા અનુભવી રહ્યો છું.

કેન્દ્રીયમંત્રીએ જણાવ્યું કે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવના પરિણામે સમગ્ર વિશ્વના કલ્યાણ અને સમગ્ર માનવજાત માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ધર્મથી વિજ્ઞાન અને વિજ્ઞાનથી થતો ધર્મ અંધશ્રદ્ધા દૂર કરે છે. વૈજ્ઞાનિક પદ્ધતીથી શસ્ત્રો શોધાયા છે પરંતુ તેનો ધર્મને આધાર રાખીને ઉપયોગ થાય તો વ્યાપાક નુકસાન અટકી શકે છે.