ગુજરાત લિટરેચર ફેસ્ટીવલનો પ્રારંભઃ જ્યારે સાહિત્યોત્સવ ખીલ્યો પૂરબહારે…

“વૈષ્ણવજન તો તેને રે કહીએ…”

છેલ્લા ઘણા દિવસથી જેની રાહ જોવાતી હતી એવા એક સાહિત્ય મહોત્સવનો આરંભ થઈ ચૂક્યો છે. એ તકને માણવા અત્યારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ફરવા નીકળો કે તરત સદીઓ જૂની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ દ્વારા કલાત્મક રીતે રજૂ થતી મધ્યકાળની કવિતાઓ તમારું સ્વાગત કરવા તત્પર છે.

સાથેસાથે, સૌંદર્યપૂર્ણ રીતે તૈયાર કરેલા સ્ટેચ્યુઝ અને આર્ટવર્ક પણ આપણી નજરને ઠારે છે. ક્યાંક માટલામાંથી કરામત કરી સજાવટ મૂકેલી છે તો ક્યાંક નેતરની ટોપલીઓનો ઉપયોગ સુંદર લાઈટિંગમાં થયેલો જોવા મળે.

આ તરફ મનગમતા સેશન્સમાં વક્તાઓને સાંભળી આવ્યા પછી લોકો બૂક બજાર તરફ મનગમતાં પુસ્તકો ઉથલાવવાની તૈયારીમાં લાગ્યાં છે તો બાકીની ત્રણેય દિશામાં જુદાં-જુદાં મહાનુભાવોની વાતો સાંભળવામાં રસિકજનો મગ્ન બન્યા છે. સાહિત્ય, કટારલેખન, વિવેચન અને નાટક જેવાં ક્ષેત્રોના સેશન્સમાં લોકોને જે-તે ક્ષેત્રના અનુભવીઓ પાસેથી ‘અંદરની વાતો’નો ખજાનો માણવા મળી રહ્યો છે તો અનેક સેશન્સમાં પ્રેક્ષકોના સવાલો અને વક્તાઓના જવાબની પણ સરસ જુગલબંદી જામેલી છે.

આ બધા વચ્ચે સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણીની રાહ જોવાઈ રહી છે. અનેક નામચીન લેખકો-સાહિત્યકારો કેમ્પસમાં ફરતા જોવા મળે છે, જેનો લાભ લેવા યુવા સાહિત્યરસિકો એમના સાથે અનૌપચારિક રીતે સંવાદ સાધી લેવાની તક ઝડપી રહ્યા છે.

આ વાતાવરણ છે, અમદાવાદમાં આયોજિત ‘ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ’નું. જીએલએફ આઠમા વર્ષના પ્રવેશ સાથે ગાજવીજ સાથે શરૂ થઈ ગયો છે. આજે 20મી ડિસેમ્બર શુક્રવારથી શરૂ થયેલો કાર્યક્રમનો દૌર હવે રવિવાર 22 ડિસેમ્બર સુધી સળંગ ચાલવાનો છે. દરરોજ સવારે 10થી રાતે 10 સતત પોણા-પોણા કલાકના અને દોઢ-દોઢ કલાકના સેશન્સ લોકોને માણવા મળશે, જેમાં 200થી પણ વધુ વક્તાઓને અમદાવાદી સાહિત્યરસિકો માણી શકશે. છેલ્લા બે દિવસમાં જ જુદા-જુદા વિષયો પર ફેસ્ટિવલના ભાગરૂપે અનેક વર્કશોપ્સ યોજાઈ ગયા, જેનો લાભ સેંકડો લોકોએ લઈ લીધો.

જોકે આ વર્ણન છે ફેસ્ટિવલની માત્ર શરૂઆતનું. હજી આવનારા બે દિવસના વીકેન્ડમાં અનેક કાર્યક્રમોનો જમાવડો થવાનો છે, જોજો, એ ચૂકવા જેવો નથી!

મૂકામ પોસ્ટ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ.

(અહેવાલ: સુનીલ મેવાડા, તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)