અમદાવાદ પછી હવે વડોદરામાં પોલીસ પર પથ્થરમારોઃ પરિસ્થિતિ તંગ

અમદાવાદઃ ગઈકાલે અમદાવાદમાં હિંસક તોફાનો બાદ હવે વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અમદાવાદ, બનાસકાંઠા બાદ વડોદરામાં પણ CAAનો વિરોધ સામે આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા પોલીસની ટીમ પર પત્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે હાથીખાના માર્કેટમાં આવેલી દુકાનો વેપારીઓએ ટપોટપ બંધ કરી હતી. તો પોલીસને 10 જેટલા ટિયરગેસ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ 10 લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે હાલ હાથીખાના, ફતેપુરા વિસ્તારમાં અજંપાભર્યો માહોલ છે.

હાથીખાનામાં પોલીસની ગાડી પર થયેલા પત્થરમારાના થોડા સમય બાદ નાગરવાડા વિસ્તારમાં હિંસક બનાવ બન્યો હતો. નાગરવાડા વિસ્તારમાંથી પસાર થતી સિટી બસ પર તોફાની તત્વો દ્વારા પત્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ બનાવને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. બસ પર થયેલા હુમલાને પગલે 25 બસોના રુટ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ચાર દરવાજા વિસ્તારમાં હાલ બસો ન દોડાવવાની પણ જાહેરાત કરાઈ છે. જેનેને પગલે અનેક મુસાફરો અટવાયા છે.

સીએએના વિરોધમાં કેટલાક મુસ્લિમ સંગઠનો દ્વારા બંધનું એલાન આપ્યા બાદ, રાજ્યના કેટલાક શહેરોમાં હિંસક આંદોલન શરૂ થતા ગુજરાત સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો પોલીસને અધિકાર આપ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત સરકારે રાજ્યમાં કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે જરૂર પડે તો મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવી દેવાની પમ સત્તા આપી છે.  કહેવાય છે કે, ગૃહ વિભાગને આઈબી તરફથી ઈનપૂટ મળ્યા છે કે, કેટલાક તોફાની તત્વો દ્વારા મોબાઈલ અને ઈન્ટરનેટના માધ્યમથી અફવાઓ ફેલાવી રાજ્યની શાંતી ડહોળવાના પ્રયાસમાં લાગ્યા છે.

આઈબીના ઈનપુટ બાદ રાજ્યના ગૃહ વિભાગે સરકારને આ મુદ્દે અવગત કર્યા બાદ સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહી તે માટે પોલીસને સત્તા આપી છે કે, જરૂર પડે મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરાવી શકે છે. સૂત્રો અનુસાર, જો સ્થિતિ વધારે બગડે તો,  ગુજરાતમાં ત્રણ દિવસ મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

તો અમદાવાદમાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલે પોલીસ પર થયેલા પથ્થરમારાની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અને પથ્થરમારો કરનારા અને અરાજકતા ફેલાવનારા અસામાજીક તત્વોને પકડવા કવાયત શરુ કરી હતી.

તો અમદાવાદ અને વડોદરામાં થયેલા ઘટનાક્રમને ધ્યાને રાખતા રાજકોટમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને 4 થી વધારે લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજકોટમાં સભા-સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે. લોકોને કોઈપણ પ્રકારની અફવા પર વિશ્વાસ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે. રેલી યોજવાની વાત વહેતી થતા પોલીસ પણ એલર્ટ છે.