મુંબઈઃ મહારાષ્ટ્ર સરકાર, સાંસ્કૃતિક ખાતાએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીની વર્ષ 2023-2026ની કારોબારી સમિતિ જાહેર કરી છે. અકાદમીના કાર્યાધ્યક્ષ પદે સ્નેહલ મુઝુમદારની નિમણૂંક કરવામાં આવી છે.
અકાદમીની પુન:ગઠિત કારોબારી સમિતિમાં જાણીતાં સાહિત્યકાર વર્ષા અડાલજા, દિનકર જોષી, દીપક મહેતા, સૌરભ શાહ, હિતેન આનંદપરા, મુકેશ જોષી, ડૉ. પ્રીતિ જરીવાળા, ડૉ. ખેવના દેસાઈ, ડૉ. વસંત મારુ, સંજય પંડ્યા, ડૉ. ઉર્વશી માણેક, નિરંજન પંડ્યા, ડૉ. મોનિકા ઠક્કર, વિજય જાની તથા ‘ચિત્રલેખા’ના તંત્રી હીરેન મહેતાનો સમાવેશ છે.
કાર્યાધ્યક્ષ પદે નિયુક્ત થનારા સ્નેહલ મુઝુમદાર જાણીતા કટારલેખક છે જેમની ‘તીરકીટધા- કર, કલમ અને કલા’ કૉલમ છેલ્લા બાવીસ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે. એમણે છંદ કે સ્વચ્છંદ, ઠૂમરી અને એની સાહેલીઓ, પુષ્ટિમાર્ગીય સંગીત સહિત સાહિત્ય, સંગીત અને કરવેરા ક્ષેત્રે સાત પુસ્તકો લખ્યાં છે.
મહારાષ્ટ્ર રાજ્યમાં ગુજરાતી ભાષા અને સાહિત્યના પ્રસાર માટે અકાદમી અઢી દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત છે. એના ભાગ રૂપે અકાદમીની નવા પુસ્તકનાં પ્રકાશન માટે અનુદાન યોજના છે. ઉપરાંત અકાદમી દર વર્ષે સાહિત્ય, કલા અને પત્રકારત્વ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન આપનારા મહારાષ્ટ્રના વતનીઓને ‘જીવન ગૌરવ પુરસ્કાર’ આપે છે અને ગુજરાતી સંસ્કૃતિનું રખોપુ કરતી સંસ્થાને પણ આ પુરસ્કાર આપે છે. અકાદમી તરફથી ભારતમાં રહેતા એક ગુજરાતી તથા એક મરાઠી સર્જકને ‘નર્મદ પારિતોષિક’થી પણ નવાજવામાં આવે છે.