બાળકો-કિશોરવયનાંને કોરોના-રસી આપવા BMC સજ્જઃ મેયર

મુંબઈઃ મહાનગરના મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે 2-17 વર્ષના વયજૂથમાં આવતા 33 લાખ જેટલા બાળકો-કિશોરવયનાં લોકોને કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી આપવાની ઝુંબેશ શરૂ કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) તંત્ર સજ્જ થઈ ગયું છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થા રસીકરણ ઝુંબેશ માટે પરવાનગી આપે કે તરત જ મુંબઈમાં તેનો આરંભ કરવામાં આવશે. એ માટેનું માળખું તૈયાર જ છે. હાલ જે માળખું છે એ જ લાગુ કરાશે, એમાં કંઈ અપગ્રેડ કરવાની જરૂર નથી. અમારે આ વયજૂથનાં લોકો માટે રસીનો સ્ટોક રાખવો પડશે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે 18 વર્ષથી નીચે અને બે વર્ષથી ઉપરની વયનાં બાળકોને પણ કોરોના-પ્રતિરોધક રસી આપવા માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. આ વયજૂથનાં બાળકોને ભારત બાયોટેક કંપનીની કોવેક્સિન રસી આપવામાં આવશે. મુંબઈની શાળાઓમાં 8-12 ધોરણનાં વર્ગો ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં હાલ 475 રસીકરણ કેન્દ્રો કાર્યરત છે અને 97 ટકા નાગરિકોને રસીનો પહેલો ડોઝ આપી દેવાયો છે. 55 ટકા નાગરિકોએ બંને ડોઝ લઈ લીધા છે.