મુંબઈ: દેશભરમાં રાષ્ટ્રીય બેન્કોના કર્મચારીઓ પગાર વધારા સહિતની માગણીઓના ટેકામાં આવતા મહિને સતત 3 દિવસ હડતાળ પાડવાના છે. તે ઉપરાંત ધૂળેટી તહેવારની રજા અને મહિનાના બીજા શનિવાર, રવિવારની રજા પણ હશે. એની પહેલાં, 8 માર્ચે રવિવાર હશે એટલે બેન્કો કુલ 7 દિવસ બંધ રહેશે. છેક 16 માર્ચે ખુલશે. 9 માર્ચે એક દિવસ માટે બેન્કો ખુલ્લી રહેશે, પણ એ દિવસે બેન્કોમાં ખૂબ ગિરદી રહેશે અથવા સર્વર પર બોજો આવી પડશે એટલે કામ લટકી જાય એવી સંભાવના પણ રહેશે.
તેથી હોળીના તહેવાર પહેલા જ તમારું બેન્કને લગતું કામકાજ, સોદા પતાવી લેજો, નહીં તો તકલીફનો સામનો કરવો પડશે.
બેન્ક કર્મચારીઓને એમના પગારમાં 20 ટકા રકમનો વધારો જોઈએ છે.
તે ઉપરાંત કામકાજ માટે પાંચ-દિવસનું અઠવાડિયું કરવા, પેન્શન પદ્ધતિને અપડેટ કરવા તથા ફેમિલી પેન્શન નિયમોમાં સુધારા કરવામાં આવે એવી પણ તેમની માગણી છે.
ઉલ્લેખનીય છે કે બેન્ક કર્મચારીઓએ ગઈ 8-9 જાન્યુઆરીએ તેમજ ત્યારબાદ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, એમ બે દિવસ માટે આ જ મુદ્દાઓ ઉપર પણ હડતાળ પાડી હતી.
માર્ચમાં બેન્કો આ દિવસોએ બંધ રહેશેઃ
08- રવિવારની રજા
10- ધૂળેટીની રજા
11- બેન્ક કર્મીઓની હડતાળ
12- બેન્ક કર્મીઓની હડતાળ
13- બેન્ક કર્મીઓની હડતાળ
14- બીજા શનિવારની રજા
15- રવિવારની રજા